જિંદગી કેસી હૈ પહેલી…Life is a mystery

જિંદગી યેં તેરી ખરોચે હૈ મુજ પર યાં…ફિર તું મુજે તરાશને કી કોશિશ મેં હૈ?

આ માત્ર ગુલઝાર સાહેબનો પ્રશ્ન નથી, દરેક મનુષ્યને સમયાંતરે મૂંઝવતો આ પ્રશ્ન છે. ગઝલકારો, કવિઓ, કે લેખકો જિંદગી વિષે, એના અનુભવ વિષે રચનાત્મક રીતે વિશેષણો સાથે કંઈક જરૂર કહીં શકે પણ જિંદગી શું છે એ ચોક્કસપણે કોઈજ કહીં કે સમજાવી શકતું નથી કારણ કે જિંદગી જીવીને નેજ જાણી શકાય છે. જિંદગી નો શબ્દકોશ પ્રમાણે કોઈપણ અર્થ થતો હોય પણ વ્યવહારિક રીતે જિંદગીનો અર્થ ‘અનિશ્ચિતતા’ છે. ‘Life is certainly Uncertain’. માનવજીવન ક્યારેય સહેલું ન હતું. કુદરતી આફતો, જીવલેણ બીમારીઓ,વિશ્વ યુધ્ધો, સ્વતંત્રતા માટેના સંઘર્ષો,માનવસર્જિત આતંક,ગરીબી કે લાચારી માંથી આપણે ક્યારેય સંપૂર્ણપણે મુક્ત નથી થયાં. હાં, મુશ્કેલીઓ અને તકલીફોનો દર સાઈન વેવ ની જેમ ઉપર નીચે અવિરતપણે ઓસીલેટ કર્યાં કરે છે. એટલે જયારે મુશ્કેલીઓ ઘટે ત્યારે લાઈફ હેપનિંગ લાગે(પોઝિટિવ સાયકલ) અને જયારે પ્રતિકૂળતા પીક પર હોય ત્યારે જીવન અર્થહીન અને અત્યંત અઘરું લાગે છે.(નેગેટિવ સાયકલ).આ સમય( ૨૦૨૦-૨૦૨૧) બીજા વિશ્વ યુદ્ધ પછીનો કદાચ સૌથી આકરો, કઠિન અને દુષ્કર સમય છે, સમસ્ત વિશ્વ માટે. અનિશ્ચિતતા નો પારો આટલો ઊંચો ક્યારેય નહિ ગયો હોય જેટલો આજે ગયો છે. કાલે શું થશે ની ચિંતા, વ્યગ્રતા આટલી ક્યારેય નહતી સતાવતી જેટલી આજે સતાવે છે. ઈકોનોમી નું શું થશે? નોકરી જતી રહેશે તો? આવક બંધ થશે તો? સેન્સેક્સ નું શું થશે? ઘર કેમ ચાલશે? બાળકોના ભવિષ્ય નું શું થશે? નવો વાયરસ આવશે તો? બાયો વોર થશે તો? વતન પાછું જવાશે કે નહિ? માં-બાપને મળી શકીશું કે નહિ? ફરી પાછા ક્યારે ફેમ-જેમ કે સહપરિવાર પિકનિક કરીશું? આમજ ક્યાં સુધી જીવીશું? આ તો કંઈ જિંદગી છે કે જૈલ?

આ પ્રશ્નો આજે વિશ્વના દરેક વ્યક્તિને સતાવે છે, રડાવે છે, જગાડે છે, પાંગળા બનાવે છે. આપણા હાથમાં પહેલાં પણ કશુંજ નહતું પણ આજે એનો પુરેપુરો અહેસાસ આ પરિસ્થિતિ અપાવે છે. પૈસા હોવા છતાં વાપરી નથી શકતાં, સમય હોવા છતાં મળી નથી શકતાં, ડિગ્રી છે તો નોકરી નથી અને નોકરી છે તો પગાર નથી, ધંધો છે પણ આવક નથી, આવક છે તો સગાઓનો સાથ નથી. ક્યાંક કોઈ મરી ગયા એનું દુઃખ છે તો ક્યાંક કેમ એકલાં રહી ગયાં એનો સંતાપ! ક્યાંક કોઈ મગજથી લડી રહ્યું છે તો ક્યાંક કોઈ શરીર થી, ક્યાંક કાલની ફિકર છે તો ક્યાંક બે ટંક ખાવાનાં પણ ફાંફા છે. કોઈ શ્રદ્ધા ઉપર કાયમ છે તો કોઈ પ્રાર્થનાના આધારે ટકી રહ્યાં છે. આમજ, ખરેખર બધાંજ લડી રહ્યાં છે. ભવિષ્યની ચિંતામાં ડૂબેલા અને અનિશ્ચિતતાના જાળા માંથી નીકળવાં ક્ષુબ્ધ લોકો પંડિતો, બાબાજીઓ અને ધર્મગુરુઓને આશરે જાય છે. ભવિષ્ય ભાખનારાંઓ ભયભીત પણ કરે અને આશા પણ જગાડે, જેવી જેની શ્રદ્ધા! ભવિષ્યકથનની કલાઓ લોકોને કાઉન્સિલ કરવાં, થોડી સલાહ આપવા વિકસાવામાં આવી હતી, સ્પષ્ટ ભવિષ્ય કહેવા નહિ. જો સાચે એ ભાંખી શકાતું હોત તો દરેક ભવિષ્યવેત્તા ‘પરમ સુખી’ અને ‘પરિતૃપ્ત’ હોવા જોઈએ, એવું છે ખરું?

જીવનની અનિશ્ચિતતાને સ્વિકારી પણ લઈએ છતાં સકારાત્મક રીતે જીવવાનો કોઈ રસ્તો પણ હોવો જોઈએ ને? એ શક્તિ એ તાકાત કે મનોબળ ક્યાંથી લાવીએ જેના થકી આ આકરો સમય( નેગેટિવ સાયકલ ઓફ લાઈફ) સફળતાપૂર્વક પસાર કરી શકીયે? સવાર પડતાંવેંત સૂર્યના કિરણોની પહેલાં પડતાં મોટિવેશનના મેસેજીસ કેમ રોજે મગજને વાઇટાલિટી કે જોમથી ભરી નથી દેતા? ગમે તેટલો સારો મોટીવેશનલ વિડિઓ કે આર્ટિકલ હોય કેમ ડલ મોમેન્ટ્સ આવે ત્યારે યાદ નથી આવતાં? એનું કારણ છે કે જિંદગી એક મેરાથોન કરતાં પણ લાંબી દોડ છે. એ માત્ર કોઈને સરસ દોડતાં જોવાથી કે પ્રેરણાદાયક શબ્દો સાંભળવાથી જીવી નથી શકાતી. જેમ મેરાથોન દોડવા શરીરને ટ્રેઈન કરીએ તેમ જીવનની મેરાથોન દોડવા મગજને પણ ટ્રેઈન કરવું પડે છે. મોટિવેશનના ડોઝ અને સ્વ-પ્રયાસોથી મગજમાં એન્ટિબોડીઝ બનાવવી પડે છે જે ગ્લૂમી, નેગેટિવ વિચારો સામે લડે અને આપણને એના પ્રકોપથી બચાવે. સારું વાંચન સારા વિચારોનું સિંચન કરે છે પણ એના માટેનું કાર્ય આપણે મગજ પાસે કરાવવુંજ પડે છે. એક વાર નહિ વારંવાર, સતત. દારૂ,ચરસ, ગાંજા તરફ લોકો એટલેજ આકર્ષાય છે કારણ કે એ મગજને પરમ આનંદ નજીક લઇ જાય છે, ઇન્સ્ટન્ટલી બટ નોટ પર્મેનૅન્ટલી! મન અને મગજ પર કાબુ પામવો એટલો સહેલો નથી, ધૈય, ખંત અને અપાર પરિશ્રમ અનિવાર્ય છે. જો વિચારો પર નિયંત્રણ આવે તો જ મગજ પાસે આપણે ધાર્યું કામ કરાવી શકીયે છીએ.

નતાન શારાન્સકી-ઇઝરાયેલી પોલિટિશ્યન અને હુમન રાઈટ એકટીવિસ્ટ, ૧૯૪૮માં મૂળ જુઇશ પરિવારમાં USSR માં જનમ્યા હતા. એપ્લાઇડ મેથેમેટિક્સની ડિગ્રી હાંસલ કરી સિક્રેટ રિસર્ચ લેબમાં કાર્યરત હતાં ત્યારે ૧૯૭૭માં એમના પર જાસૂસી અને દેશદ્રોહના બહુવિધ આરોપો ઠપકારી ગિરફ્તાર કરવામાં આવ્યા હતાં. તેમને સ્ટ્રીક્ટ રેજિમેન કોલોનીમાં ખૂબ કડક શાશન હેઠળ જેલમાં રાખવામાં આવ્યાં હતાં. મોટા ભાગે એમને એકાંત કારાવાસ(૬ X ૮ ફૂટ) સેલમાં રાખવામાં આવેલા. શારીરિક અને માનસિક રીતે એટલો ત્રાસ ગુજારવામાં આવતો કે જીવતાં જીવ માણસ મરી જાય પણ એને મરવા દેવામાં ન આવે. ફોર્સ ફીડિંગ કરી જીવાડવામાં આવે. એમની શારીરિક સ્થિતિ ખૂબજ કથળી ગયી હતી. આ પરિસ્થિતિમાં નતાન ને પણ મરવાના ઘણાં વિચાર આવ્યાં પણ એ સમજી ગયાં હતાં કે પોતે મરી નહિ શકે, એ પણ એમના હાથમાં ન હતું. નાના હતાં ત્યારે એમને ચેસનો ભારે શોખ હતો, મેડલ પણ જીત્યા હતાં. એકાંત કારાવાસમાં પોતાના મગજને સાવધ અને સભાન રાખવા એ મેન્ટલી ચેસબોર્ડ વગર ચેસ રમતાં. પોતાની એકાગ્રતા અને વિઝ્યુલાઇઝેશનથી ચેસબોર્ડની કલ્પના કરી બંને તરફથી પોતેજ દાવ રમ્યા કરતાં. સ્વયંને પ્રોત્સાહિત રાખવાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાનો ગોલ બનાવ્યો અને દિવસ-રાત ચેસની વિવિધ ચાલ અને યુક્તિઓ વિચારતાં. નવ વર્ષના કઠિન કારાવાસ પછી એમને મુક્ત કરવામાં આવ્યાં. જયારે એમને પૂછવામાં આવ્યું કે એમણે કેવી રીતે આવો ખોફનાક સમય વિતાવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે મેં મગજને સમજદારીપૂર્વક કાર્યરત રાખ્યું, મગજને ચેલેન્જ કર્યું ચેસ વિચારવાં અને રમવાં માટે. જો મગજનું સંતુલન ગુમાવીયે તો શરીર પણ સાથ છોડી દે અને પીડા વધુ અસહ્ય બનતી જાય. એમણે કહ્યું હતું કે મને ખ્યાલ પણ ન હતો કે હું ક્યારેય જેલ માંથી મુક્ત પણ થઇ શકીશ. બાહ્ય પરિસ્થિતિ મારા અંકુશમાં ન હતી પણ મારું મગજ મારા નિયંત્રણમાં હતું. ૧૦ વર્ષ પછી વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કસ્પોરોફ ઇઝરાયેલમાં આવ્યો હતો. રશિયન કસ્પોરોફ એકસાથે ૨૫ ગેમ્સ રમી શકતો હતો, ૨૫ ઓપ્પોનેન્ટ્સ એક તરફ અને ગેરી એક તરફ. ત્યારે નતાન શારાન્સકી એની સામેના એક ઓપોનેન્ટ હતાં અને શારાન્સકીએ ગેરી ને માત આપી હતી. મીડિયા રીપોર્ટર્સ એ જયારે શારાન્સકીને જીત નું રાઝ પૂછ્યું ત્યારે એમણે કહ્યું, ૯ વર્ષ જેલમાં મેં વર્લ્ડ ચેસ ચેમ્પિયનને મેન્ટલી હરાવ્યો હતો, આજે પ્રત્યક્ષ હરાવ્યો. This is the power of mind. Those who can conquer there minds can conquer any adversities.

જિંદગી ક્યારેક કોયડો લાગે, ક્યારેક રમત, ક્યારેક સ્વપ્ન, ક્યારેક એક પડકાર તો ક્યારેક એક આકરી પરીક્ષા…
જીવનનો મર્મ એને જીવંત રાખવામાં જ છે. જીવંત રહેવા માટે મગજને, શરીરને અને વિચારોને આપણાં પ્રમાણે ચલાવવાં પડે છે. નતાન શારાન્સકીના જેલના જીવન પરથી સમજાય છે કે કોઈપણ પરિસ્સ્થીતીનો સામનો કરવા માટે આપણે આપણી ગ્રીટ(grit ) અને એન્ડયોરન્સ (endurance ) કેળવવા પડે છે અને અમલમાં મૂકવાં પડે છે. આવતી કાલે શું થશે એના કરતાં આપણે કાલે શું કરીશું આપણાં શરીર, મન અને મગજ માટે એ વધારે અગત્યનું છે. સંજોગો શું સર્જશે એના ઉપર આપણું નિયમન નથી. જે બનશે એ આપણાં વશમાં નથી પણ આપણે શું બનીશું અને આપણી આસપાસ કેવું વાતાવરણ સર્જીશું એ માત્ર આપણાં ઉપર જ આધારિત છે. સામાન્ય માણસ માત્ર શરીરને પોષે છે, બુદ્ધિમાન માત્ર ભૌતિક ઈચ્છાઓને પરંતુ જ્ઞાની સભાન અવસ્થામાં શરીર, મન ને મગજ બધાંને પોષે છે.

બોધિસત્વમાં કહેવાય છે:
“Come what may, I’ll never harm
My cheerful happiness of mind.
Depression never brings me what I want;
My virtue will be warped and marred by it.
If there is a remedy when trouble strikes,
What reason is there for despondency?
And if there is no help for it,
What use is there in being sad?”

હતાશા, નિરાશા કે નકારાત્મક વિચારો આપણાં સદ્ગુણોને વિકૃત કરે છે.જો એ આપણાં પર કાબુ મેળવી લેશે તો આપણને ચોક્કસપણે નચાવશે. આપણે મદારી બનીયે કે માંકડું એ આપણાં હાથમાં છે. બાહ્ય પરિસ્થિતિઓ આપણાં માટે હરદમ અનુકૂળ નથી હોતી પરંતુ મોટા ભાગે આપણું વલણ પણ ઉચિત નથી હોતું. જે દર્દ કે પીડા આપનાર ઘટનાઓ બને છે એ ગણી શકાય એટલીજ હોય છે, પરંતુ, જે મોટાભાગના કષ્ટોથી આપણે પીડાઇએ છીએ એ આપણાં વ્યવહાર અને રિએકશનના પરિણામો હોય છે. જયારે આપણું મગજ આપણાં આનંદ, શાંતિ અને વિકાસની તરફેણમાં કામ કરે ત્યારેજ એ ઉજ્જવળ પરિણામો આપે છે.
‘Life is not only about feeling it its also about dealing with it ‘- Mittal

જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
– ખલીલ ધનતેજવી

પડકારો, મુસીબતો, અડચણો, અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાં માટે જો કોઈ મદદ આપણી પાસે હોઈ તો આ આપણી આંતરિક શક્તિ જ છે. આંતરિક શક્તિ એ એવી કિંમતી સંપત્તિ છે જેનો ઉપયોગ કરવાથી એ ખૂટતી નથી પરંતુ રિબાઉન્ડ થઇ બમણાં જોશથી આપણને સકારાત્મક રીતે કાર્યરત રાખે છે.
જિંદગી તરાશે, અજ્માવે કે નચાવે એના પ્રવાહ સાથે વેહતાં રહેવું એજ જીવન છે! ખલીલ ધનતેજવી સાહેબે કહ્યું તેમ, આપણે થાકવાનું નથી!

What is Reality? વાસ્તવિકતા શું છે?

What is Reality? વાસ્તવિકતા શું છે?
કોરોના માત્ર ભારત પર જ ભારી પડ્યો?

“Reality is a Question of Perspective”- Salman Rushdie

‘પરસ્પેકટીવ’ ‘દ્રષ્ટિકોણ’ કે પરિપેક્ષ્ય. જીવનમાં ચાલતી દરેક ઘટનાને જયારે આપણે જુદા દ્રષ્ટિકોણથી જોઈએ ત્યારે તે તદ્દન અલગ સ્વરૂપ પણ લઇ શકે છે. ‘ગ્લાસ ઇસ હાફ એમ્પટી’ વાળુંજ ઉદાહરણ લઈએ, અડધો ખાલી જોઈએ તો નેગેટિવ અને અડધો ભરેલો જોઈએ તો પોઝિટિવ. પરંતુ એજ ગ્લાસ ને માત્ર ભરવાના ઇરાદે જોઈએ તો એક ઓપોર્ચ્યુનિટી છે. જ્યાં લોકોને નકારાત્મકતા દેખાય ત્યાં તકવાદીયોને ફાયદો દેખાય છે. મોટા ભાગના પોલિટિકલ એજન્ડા નેગેટિવિટી અને નિષ્ફળતા માંથી ઉદ્ભવતા ફાયદા વડે પુરા કરવામાં આવે છે. સામાન્ય માણસ પાસે માત્ર ઇન્ફોરમેશન આવે છે, એની પાસે એનું ઊંડું જ્ઞાન મેળવવાનો સમય અથવા તો એટલી તર્કશક્તિ નથી હોતી એટલેજ એની મજબૂરીનો ફાયદો ઉઠાવવો, એને ઉશ્કેરવો અને એના થકી પોતાના પોલિટિકલ કાર્યો પાર પાડવા સહેલા બની જાય છે. અહીં કોઈ એક પાર્ટીની વાત નથી. દુનિયાની દરેક પોલિટિકલ પાર્ટી ઓપોર્ચુનિસ્ટ જ હોય,એ એક સામાન્ય જ્ઞાન છે. ઇઝરાયેલ અને પેલેસ્ટીનની હિસ્ટરીની આપણને સંપૂર્ણ જાણકારી ન હોવા છતાં પણ એના વિરુદ્ધ કે એના પક્ષમાં બોલવામાં આપણને બે ક્ષણ પણ નથી લાગતી. કારણ કે બધા પાસે સાચી કે ખોટી ઇન્ફોરમેશન છે અને પોતાનો પક્ષપાતી અભિપ્રાય.

વિશ્વનો દરેક માનવી પોતાનું આગવું પરસેપ્શન લઈને ચાલે છે, પણ ભાગ્યેજ એ જુદા પરસ્પેકટીવથી તેની આસપાસ બની રહેલા પ્રસંગોને નિહાળે છે. જુદા પરિપેક્ષ્યથી વિચારવાં માટે જુદી માનસિકતા પણ જોઈએ. એ માનસિકતા કેળવવી પડે છે. રૂઢિચુસ્ત, પરંપરાગત અને પક્ષપાતી વૃત્તિને ત્યજીને નવો અભિગમ કેળવવો પડે છે. માણસ જયારે મુસીબતમાં હોય છે ત્યારે ચિંતા,ભય અને વ્યગ્રતા એના મગજને ઘેરી લે છે એટલે એને મુસીબત જ દેખાય છે એ પણ પહાડ જેવી મોટી. એનું નિરાકરણ સરળ અને નજીક હોવા છતાંપણ માણસ એને જોઈ શકતો નથી. “Never write about a place until you are away from it, because, that gives you Perspective”- Ernest Hemingway . કહેવાનો તાત્પર્ય એ છે કે બહુ નજીકથી બધું ધૂંધળું દેખાય છે એટલે પરિસ્થિતિને સમજવાં માટે થોડા અંતરથી શાંત ચિત્તે તેને જુદા આયામથી સમજવી ખુબજ જરૂરી હોય છે.
ઘણીવાર આપણું જીવન એટલે અઘરું બની રહે છે કારણ કે આપણે હોલિસ્ટિક વ્યૂથી જોતાજ નથી અથવા તો જોવા માંગતા નથી.

ચીનથી કોરોના પહેલા થાઇલેન્ડ, સિંગાપોર, સાઉથ કોરિયા, યુરોપ વગેરે જગ્યા પર ફેલાયો. ભારતમાં એ લગભગ May 2020 માં પ્રવેશ્યો. March 2021 માં લાગતું હતું કે કોરોના ભારત માંથી ગયો પરંતુ સેકન્ડ વેવ ભારે ખતરનાક આવ્યો. આપણી પુષ્કળ વસ્તી, વિશાળ વિસ્તાર અને ઇન્ફ્રાસ્ટ્રચર અને સુવિધાના અભાવે આપણે એમાં એવા સપડાયા કે દુઃખ,આક્રોશ,અને આક્રંદ જ જાણે આપણા જીવનની ભાવના બની રહી. આપણી વેદના અને કષ્ટનો આરોપ કે આક્ષેપ કોના પર નાખવો? કોણ જવાબદાર? સરકાર, તંત્ર કે સિસ્ટમ?
એક લેખક છે -જગ સુરૈયા જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોલમ લખે છે. એ સેટિરિસ્ટ છે(કટાક્ષાત્મક લેખો લખનાર). એમનો એક લેખ TOI એ કદાચ છાપ્યો ન હતો, કારણ ખબર નથી, પણ કદાચ ઈટ વોસ ટૂ ડાયરેક્ટ.
એ લેખ માં સુપ્રીમ લીડર(SL ) અને સુપ્રીમ સાઇડકિક(SS ) વચ્ચે નો સંવાદ છે.
SL: SS મોટા ભાગના લોકો વિદેશમાં અને ભારતમાં મને દોષ આપે છે, મારી નિંદા કરે છે અને મને એકલાને જવાબદાર માને છે આ કોરોના મહામારીમાં ભારતને પડેલા સંકટ અને કટોકટી માટે, તે વ્યાજબી નથી, હું એકલો જવાબદાર નથી, ઇટ્સ ધ સિસ્ટમ એસ વેલ!
SS : બટ, બોસ, યુ આર ધ સિસ્ટમ!
આપણે અહીં સમજી શકીયે છીએ કે SL અને SS કોણ છે. પણ પ્રશ્ન એ છે કે સિસ્ટમ એક વ્યક્તિથી બને? પોલીસીસ, નિયમો અને કાયદાઓ ઘડતા અને અમલમાં મુકતા એક પેઢી જતી રહે છે છતાં સંપૂર્ણપણે એ ઉપયોગમાં નથી લેવાતા. આપણું ઘર એ પણ એક સિસ્ટમ છે, એક માણસથી ચાલી નથી શકતું, એ હકીકત છે. હાં, કંઈ પણ ખોટું થાય તો જવાબદાર જે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હોય એજ ગણાય. પણ એનાથી એ ગુનેગાર નથી બની જતાં. આપણે ઘરની વ્યક્તિનો સાથ અને સહકાર નથી છોડતાં, હાં થોડું સંભળાવી જરૂર દઈએ પણ એક મર્યાદામાં, એક દાયરામાં રહીને.
“Its easy to spit than to swallow and its harder to change than to choose”.- Mittal

મોટાભાગે આપણે વર્બલ સ્પેટ, બ્લેમગેમ, અને ચૂઝ જ કરીએ છીએ. કારણ કે ચેન્જ લાવવો અતિ કઠિન છે.
અહીં કોઈની તરફેણ કરવાના ઇરાદે કે ભક્તિ કરવાના ઇરાદે કશુંજ લખાયું નથી. અહીં થોડા ફેક્ટસ વિષે વાત કરવી છે.
-સિંગાપોરમાં બીજો વેવ શરુ થયો છે. ૧૩મી જૂન સુધી માત્ર આવશ્યક વસ્તુઓ માટેજ બહાર જવાની પરવાનગી છે એ પણ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સાથે. (પરિવાર ના માત્ર ૨ સદસ્ય)
-અહીં બહારથી પ્રવેશનાર દરેકને ૨૧ દિવસ ક્વોરન્ટીન કરે છે. ૧૪ માંથી ૨૧ દિવસ કર્યા છે કારણ કે ૧૬ માં દિવસે સિમ્પટમ્સ આવ્યા હોય એવા કેસીસ પણ બન્યા છે
-અહીં પણ વેકસિનની અછત છે એટલે મોટાભાગના લોકોને પેહલો ડોઝ અપાશે, બીજા ડોઝ માત્ર ક્રિટીકૅલ સર્વિસમાં હોય એમને જ અત્યારે અપાશે.

-તાઇવાન દેશ જે એક સફળ મોડેલ ગણાય છે આ મહામારીને હેન્ડલ કરવામાં ત્યાં બીજો વેવ આવ્યો છે અને ત્યાં પણ વેકસિનની અછત છે. માત્ર ૧% લોકોને હજી સુધી વેકસિન અપાય છે. ચાઇના આ દેશને પોતાનો હિસ્સો બનાવવાં માટે વર્ષોથી મથે છે અને એટલે પોલિટિકલ રમતો પણ રમાય છે જે ત્યાંની સરકારને ભારે પડે છે. પેઈડ મીડિયા ચાઇનાની વેકસિન સારી છે એ લઇ શકાય એમ કહ્યાં કરે છે જયારે સરકાર US અને સ્વદેશી વેકસિન પર નિર્ધાર રાખે છે.
-થાઇલેન્ડ કે જ્યાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી ત્યાં પણ બોર્ડર ખોલવાથી પાછા કેસીસ વધ્યા છે. ત્યાંની એક જેલમાં ૧૦૦૦૦ કેસીસ આવ્યા છે.
-ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સમાં પણ પાછો વેવ આવ્યો છે, પહેલા પણ કેસીસ આવતા જ હતા હવે વધ્યા છે
-મલેશિયામાં પણ બીજો વેવ આવ્યો છે અને ત્યાં પણ અમુક રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે.

આ ફેક્ટસ પરથી એ ખ્યાલ આવે છે કે બધું નિયંત્રણ રાખતાં હોવા છતાં પણ આ વાયરસથી બચવું એટલું સહેલું નથી. આ બધા દેશોનો વિસ્તાર આપણા ત્રણ રાજ્યો ભેગા કરીએ એટલો પણ નથી. કાયદાઓને અમલમાં મૂકી શકાય છે કારણ કે ભંગ કરનારાને પકડવા સહેલા છે. ભારતનો લિટરેસી રેટ ૭૮% જયારે આ બધા દેશોનો ૯૦% ઉપર છે. આપણને થાય કે લિટરેસીથી શું ફર્ક પડે? ઘણો ફર્ક પડે. એમને વાતની ગંભીરતા સમજાવી શકાય છે અને વિનંતી કરીને પણ નિયમોનું પાલન કરાવી શકાય છે. અભણ લોકોને સ્વાસ્થ્ય અને સલામતી માટે કંઈ પણ સમજાવવું અઘરું એટલે છે કારણકે ગામડાઓમાં દવાખાનાની અછત હોઈ સામાન્ય તાવ કે શરદી માટે એ લોકો ડૉક્ટરને બતાવતા ન હોય. ક્રિટીકૅલ ન થાય ત્યાં સુધી એ લોકો સમજી ન શકે કે આ રોગ જીવલેણ પણ છે.
આ વાયરસ અને એના વેરિઅંટ અતિ સાંસર્ગિક કે ચેપી છે અને ભયાનક ગતિએ પ્રસરે છે. કોઈપણ દેશ આમાંથી નજીકના ભવિષ્યમાં બહાર સહેલાયથી નહિ આવી શકે. જયારે જ્યારે બોર્ડર ખુલશે ત્યારે આ પ્રશ્ન અચૂક આવશે કે કંઈ વેક્સીન લીધેલી છે? અસરકારક છે? કેટલો ટાઈમ ક્વોરન્ટીન કરવા? ભારતમાં એને નિયંત્રણમાં લાવવાં માટે સજાગ રેહવું, બને તો ઘરમાં રેહવું અને સાવચેતી લેવી એજ ઉપાય છે. વેક્સીન તો લેવીજ લેવી.

આ બધા દેશોના તથ્યો અને કોરોનાના આંકડા થકી એક પરસ્પેકટીવ મળે છે કે ભારતે સ્વદેશી વેક્સીન વિકસાવી એ ખરેખર બિરદાવવાં જેવું છે. અન્ય દેશો વિસ્તારમાં ભારતથી અતિ નાના હોવા છતાં પણ હજી સુધી લોકોને વેક્સીન આપી નથી શક્યાં. ભારતમાં લગભગ ૧૦% લોકોને પહેલો ડોઝ અને ૩% લોકોને બીજો ડોઝ મળી ગયો છે. ૧૦% લોકો એટલે આ બધા દેશોની વસ્તીનો સરવાળો !
આપણાં શું કરી શકીયે એ આપણને ખબર જ છે. સજાગ રહીયે અને લોકોને સજાગ કરીયે, સલામત રહીયે અને લોકોને સલામત રાખીયે. વિ હેવ ટું જસ્ટ ડું અવર પાર્ટ!
So it is important to look things, and put things into Perspective. Your Reality is someone else’s Dream.

Conscience. What is the right path?પ્રશ્ન એ છે કે સાચું શું?

પ્રશ્ન એ છે કે સાચું શું? કયો માર્ગ સાચો? સચ્ચાઈ નો માર્ગ કેમ પારખવો?
આપણાં હાથમાં છે એ આપણું કે આપણાં હક્કનું ? સામાન્ય રીતે હાથમાં આવેલી દરેક વસ્તુને આપણે પોતાની સમજીયે છીએ, એ પછી ભલે ને કોઈપણ રીતે મેળવેલી હોય! છળકપટ, પ્રપંચ, અનીતિ કે ભ્રષ્ટાચારથી પણ પામેલી વસ્તુ હાથમાં આવી ગયા પછી એ આપણાં હાથ માંથી છૂટતી નથી. ચોરના ઘરે ચોરી થાય તો શું ચોર દુઃખી થાય? હકીકતે તો એણે ન થવું જોઈએ, એમ પણ એ ક્યાં એનું હતું? પણ ચોર વધારે દુઃખી થાય છે કારણ કે પોતાની જાનના જોખમે કરેલી ચોરી હવે કોઈ બીજું ચોરી ગયું. ક્રોધાવેશમાં આવી હવે એ ચોર વધુ મોટી લૂંટ માટે તત્પર થાય છે. ચોર જેને પોતાનો હક્ક સમજે છે શું એ સાચે એનો છે? આપણે જીવનમાં પણ આવા ઘણાં વળાંક આવે છે જયારે આપણો સાચો અધિકાર શું છે એ સમજવામાં આપણે નિરર્થક નિવડિયે છીએ અને એને પરિણામે ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણાં ઈરાદા શુદ્ધ નથી હોતા છતાં બીજા લોકો આપણને લાલચી,સ્વાર્થી અને અપ્રમાણિક લાગે છે. આખું મહાભારત અધર્મ અને ધર્મની(સત્ય/અસત્ય) લડાઈ માટે થયું હતું. મહાભારતના લગભગ દરેક પાત્રએ ક્યાંક ને ક્યાંક અધર્મનો સહારો લીધો છે. એ કર્ણ, અર્જુન, ભીમ, દુર્યોધન કે પછી કેશવ પણ કેમ ન હોય. પરંતુ અધર્મ કરવા પાછળનો હેતુ શું છે એ સમજવું અત્યંત જરૂરી છે. અર્જુને કર્ણની પીઠ પર વાર કર્યો એ ખોટું હતું પણ કર્ણ અધર્મની સાથે હતો એ પણ એક સત્ય હતું. જો કર્ણ પોતાના મન સમીપ જઈને પોતાનેજ પ્રશ્ન કરે તો સાચો જવાબ એને મળી રહે કે અર્જુનનો હેતુ કદાચ ‘પ્રામાણિક’ હતો. મહાભારતમાં શું સાચું છે અને શું ખોટું છે એ સ્પષ્ટપણે સમજાવાયું નથી, એ વાંચનાર, સમજનાર પર છોડી દેવાયું છે અને એટલેજ એનું મહત્વ છે. શું સાચું કે શું ખોટું એ કોઈને પૂછવું એ તો મૂર્ખામી છે. એ પ્રશ્નોનો જવાબ આપણાં અંતઃકરણ સિવાય બીજા કોઈજ પાસે નથી.

પરમાત્માના બાહ્ય સ્વરૂપમાં આપણે મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ કે મોહમ્મદના જુદા જુદા ચહેરા જોઈએ છીએ પણ અંતરાત્માનો ચહેરો દરેક વ્યક્તિમાં સમાન જ છે. પરમાત્માનું એકજ વિશ્વવ્યાપી રૂપ છે ‘આપણી અંતરાત્મા’ કે ‘કોનસાઈન્સ’.આપણું અંતર મન આપણાં આત્માનો અરીસો છે, સચ્ચાઈનો અગાઢ સાગર છે, વિશ્વાસપાત્ર માર્ગદર્શક છે,આપણાં બધાજ પ્રશ્નોની ઉત્તરવહી છે. કોઈપણ કાર્ય કર્યાં પછી જો મન ગ્લાનિ અનુભવે તો સમજી લેવું કે કરેલ કામમાં કોઈ ક્ષતિ જરૂર છે અને જો મન પ્રફુલ્લિત કે હળવું થાય તો સમજવું કે કાર્ય નીતિમત્તાથી પાર પડ્યું છે. આ જગતમાં એવી એકપણ વ્યક્તિ નહિ હોય જેને ક્યારેય પોતાના અંતરાત્માનો અવાજ ન સાંભળ્યો હોય. હાં, એ અવાજની અવગણના જરૂર કરી હશે, એક નહિ અનેક વાર! એ પરમાત્માનો ઉપકાર જ છે કે આપણને દર વખતે એક સંકેત આપે છે, સાચાં-ખોટા, નૈતિક-અનૈતિક,પ્રામાણિક-અપ્રમાણિક કાર્યો વચ્ચે જયારે આપણે પસંદગી કરીએ છીએ ત્યારે એ એક ઈશારો જરૂર કરે છે. અલબત્ત,નિર્ણય કરવાની જવાબદારી આપણાં પર છે. રાજકારણી જયારે ભ્રષ્ટાચાર આચરે, એક ડૉક્ટર જયારે ગેરમાર્ગે દોરે, એક ઉદ્યોગપતિ જયારે કૌભાંડ યોજે, એક વ્યાપારી જયારે છેતરપિંડી કરે, એક મનુષ્ય જયારે બીજાનો ફાયદો ઉઠાવે, એક માણસ જયારે અપરાધ કરે ત્યારે શું એમનો અંતરાત્મા એમને ચેતવણી નહિ આપતો હોય? એ કદાચ પ્રતિરોધ પણ કરતો હશે પણ માનવી દુન્યવી લાલચો, સ્વાર્થવૃત્તિ અને પોતના રાજસી અને તામસી કર્મોને આધીન થઇ અધર્મના માર્ગે ચાલતા અચકાતો નથી. અવિરત લોભ, તૃષ્ણા અને ક્રોધમાં ડૂબી બિનજરૂરી ભેગું કરવામાં અને લોકોને લૂંટી, ત્રાસ આપવામાં એ તલ્લીન હોય છે. સાસુ જયારે દિકરી અને વહુમાં ફર્ક કરે, દિકરો જયારે બાપનું અપમાન કરે, માં-બાપ છોકરાઓના જીવનમાં હસ્તક્ષેપ કરે, વહુ જયારે કુટુંબને વિભાજિત કરે, માણસ જયારે સારા હોવાનો ડોળ કરી વિશ્વાસઘાત કરે ત્યારે મનથી દરેક જાણતાં હોય છે કે એ યોગ્ય નથી કરી રહ્યાં,પરંતુ,આપણે અંતરને હરાવીને આપણાં અનુચિત કર્મોને જીતાડીએ છીએ. માણસ જયારે વસિયતનામું બનાવે છે ત્યારે પણ મનનું નહિ પણ મગજનું સાંભળી દાવપેચ કરે છે. જાત જતી રહે છે પણ પોતાના સ્વભાવનો પ્રભાવ છોડતાં જાય છે. મન અને મગજ વચ્ચે હંમેશા યુદ્ધ ચાલ્યા કરે છે. મન મગજની ગણતરી નથી સમજતું અને મગજ મનની લાગણીઓ. આપણો અંતરાત્મા આપણાં મગજની બધીજ નગ્ન હકીકતો જાણતો હોય છે એટલેજ આપણે એકાંતથી ડરીએ છીએ. આપણાં અનૈતિક,આડંબર અને કુટિલતાથી કરેલા કૃત્યો એકાંતના સમયમાં આપણાં વિચારોમાં ભમે છે. આવા કૃત્યો કર્યાં પછી એવો કોઈ પણ મનુષ્ય નહિ હોય જેને પરમ સુખ કે શાંતિ મળી હોય. હાં, દુનિયાની નજર સમક્ષ કદાચ એ રૂપિયા અને હોદ્દાવાળો, પ્રસિદ્ધ કે હોંશિયાર લાગે પણ અંદરથી એ ખિન્ન, લજ્જિત અને નિર્જન હોય છે. અસલામતીથી ભયભીત અને સંતાપથી બળતો હોય છે. પોતાના દુષિત કર્મોને ધોવા માટે દાન અને ધર્માદા કરે છે છતાં મનને શાંતિ નથી અર્પી શકતો.

કહેતે હૈ: રૂહ પર ભી દાગ આ જાતે હૈ, જબ દિલોં મે દિમાગ આ જાતે હૈ!

એક વિદ્વાનના સો જેટલા શિષ્યો હતા. બધાજ નિયમિત સમય પર પ્રાર્થના અને ધ્યાન કરતા સિવાય એક, જેને દારૂની લત હતી. જયારે આ ગુરુને ભાસ થયો કે એનું મૃત્યુ નજીક છે ત્યારે એમણે આ દારૂડિયા શિષ્યને બોલાવી પોતાના ધ્યાન અને વિધિઓના બધાંજ ગુપ્ત રહસ્યો એને શીખડાવ્યાં અને ગૂઢ જ્ઞાન પ્રદાન કર્યું. બીજા શિષ્યોએ એમના ગુરુ વિરુદ્ધ પ્રતિકાર દર્શાવ્યો. એમણે કહ્યું, અમે બધુંજ છોડીને એવા ગુરુ માટે બલિદાન આપ્યું જે અમારા ગુણોને પારખી જ ન શક્યાં. ત્યારે ગુરુએ જવાબ આપ્યો, મારે એવા શિષ્યને જ્ઞાન પ્રદાન કરવું હતું જેને હું સારી રીતે ઓળખતો હોઉં. જે લોકો સામાન્ય રીતે સદાચારી અને સદ્ગુણી લાગતાં હોય એ લોકો પોતાનો અહમ, અસહિષ્ણુતા અને દોષોને છુપાવતાં હોય છે. એટલે મેં એવા શિષ્યને પસંદ કર્યો જેના દોષો અને અવગુણો હું જાણું છું, એ મદ્યપાન કરે છે પણ પ્રત્યક્ષ છે, એના દુર્ગુણો છુપાવતો નથી. સાચાં હોવા કરતા પણ વધારે જરૂરી પારદર્શક હોવું છે, કારણ કે જે પ્રત્યક્ષ છે તેને પોતાના અંતરાત્મા સાથે ચોક્કસ સુમેળ હોય છે. કોઈ એક આદત ખરાબ હોવાથી માણસ ખરાબ નથી બની જતો, પરંતુ જો મનમાં દ્વેષ હોય તો સારી આદતો ધરાવતો અને સારું આચરણ કરતો માણસ પણ દુર્જનથી ઓછો નથી હોતો.

પરમાત્માએ આ સૃષ્ટિ સર્જી અને જીવન સર્જ્યું. મનુષ્યએ સૃષ્ટિમાં સ્થૂળ પ્રલોભનો સર્જ્યા અને એમાં મોહિત થઇ ભૌતિકવાદી બની રહ્યો. સુક્ષમ, અલૌકિક સંવેદનાઓ અને વૃત્તિઓ પ્રત્યે અજ્ઞાન થતો ગયો. પોતાનાજ મન અને અંતરાત્માથી અપરિચિત થતો ગયો.એટલેજ આજે મનુષ્ય ધર્મ અને અધર્મ વચ્ચે ભેદ સમજવામાં ગોથાં ખાય છે. જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના નામ પર સમાજમાં કેટલી વિષમતા અને ભેદભાવ સર્જાયા છે. અમુક મુદ્દાઓનો ઉકેલ તો મનુષ્યના અંતની સાથેજ આવશે. રાજકારણીઓ અને ધર્મગુરુઓ સાચાં છે કે ખોટા એ ખુદ નથી જાણતા હોતા છતાં લોકો એમને અનુસરે, એમના નામ પર લડે, હેવાનિયત પર ઉતરી આવે. અરે ! જરા થોભો, ઊંડો શ્વાસ લઇ એક ક્ષણ વિચાર તો કરો, શું કરી રહ્યાં છો, કેમ કરી રહ્યાં છો? કોના માટે કરી રહ્યાં છો? પોતાના, પરિવાર કે સમાજ માટે ઉચિત કરી રહ્યાં છો? આવનારી પેઢી માટે કેવી દુનિયા રચી રહ્યાં છો?
અંત: કરણથી કરેલા નિર્ણયોમાં બહુમતી નથી જોવાતી, એકલપંડે સાચો અને અઘરો માર્ગ ખેડતા માણસનો સાથ આપી શકાય છે, પોતે એ માર્ગ ખેડી પણ શકાય છે. એવો કયો અભાગો મનુષ્ય હશે જેને ખરેખર નહિ સમજાતું હોય કે એ ખોટા માર્ગે જઈ રહ્યો છે? હાં, ભૂલ થાય પણ એનો સ્વીકાર કરી સાચો માર્ગ કેમ ન પકડી શકાય? આપણે સ્વાર્થી વિચારોને વિવશ ન થઇ નિષ્પક્ષ રહી કર્મો આચરવા માટે સમર્થ ન બની શકીયે ? આજના યુગમાં સાચું બોલવું, શિષ્ટાચાર આચરવો, સંવેદના દર્શાવવી, સમર્પણ કરવું અને સમાધાન માટે પ્રયત્નો કરવા એ અગ્નિ પરીક્ષા આપવા સમાન છે. પરંતુ અગ્નિમાં શેકાનાર નેજ શુદ્ધિ અને ચમકનું વરદાન મળે છે, છેવટે એજ કિંમતી બને છે અને એનીજ કિંમત થાય છે. કુદરત આવા પરાક્રમીને ભવ્ય ઇનામોથી બિરદાવ્યા વિના રહેતી નથી.

આપણે જયારે મુસાફરી કરીએ ત્યારે મંજિલ પર પહોંચવા માટે GPS નો ઉપયોગ કરીએ છીએ. GPS આપણને ઘણાં રસ્તાઓના વિકલ્પ આપે છે. શોર્ટ-કટ કે લાંબો,ભારે ટ્રાફિક વાળો કે પછી એવો રસ્તો જે ઓછા લોકો પસંદ કરતા હોય. બધાંજ માર્ગ વહેલાં-મોડાં મંજિલ પર જરૂર પહોંચાડે છે. દરેક રસ્તાના પોતાના ગુણદોષ પણ હોય છે. એટલેજ આપણે ખાતરી કર્યાં પછીજ રસ્તો પસંદ કરીયે છીએ અને મુસાફરીનો આરંભ કરીએ છીએ. જિંદગીના પ્રવાસમાં આપણું કોઈ ટ્રસ્ટેડ GPS હોય તો એ આપણું ‘કોનસાઈન્સ’ છે. જિંદગીની પઝલ એ મેઝ પઝલ જેટલી સરળ નથી. મેઝ પઝલમાં આપણે સ્પષ્ટપણે જાણતાં હોઈએ છીએ કે એકજ સાચો રસ્તો છે અને એજ શોધવાનો છે. જયારે જીવનમાં ક્યારેય દેખીતી રીતે એ સમજાવવામાં નથી આવતું કે યથાર્થપણે શું સાચું કે ખોટું છે. આપણે અંતરના ઊંડાણમાં જઈને સમજણને સપાટી પર લાવી એને અનુલક્ષીને નિર્ણયો કરી બહુ બધા માર્ગો માંથી સાચો માર્ગ શોધવો પડે છે. ઉફ! ખરેખર આ જીવનની પઝલ અઘરી છે, દોસ્ત! અંતઃકરણ એ આપણાં દિમાગનો અવાજ છે અને હૃદયની લાગણી છે, જે આપણને જણાવે છે કે શું યોગ્ય છે કે અયોગ્ય, કોઈ જોતું હોય કે ન જોતું હોય એ હંમેશા સત્ય જ કહે છે.

ગર્ભથી લઈને મરણશૈયા સુધીના આપણાં જીવનકાળ દરમિયાન સારા-નરસા, કાળા-ધોળા, નૈતિક-અનૈતિક જેવા તમામ ગુણધર્મો ધરાવતા કર્મોની વિશાળ સૂચિ જીવન આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે જેમાંથી આપણે વરણી કરવાની છે કે કઈ બાજુ ઢળીયે. દરેક વ્યક્તિ પાપ અથવા તો દુષ્કર્મ કરવા માટે લલચાય છે કારણ કે એનાથી ઇન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન (ત્વરિત આનંદ) ગેરંટીડ હોય છે.પરંતુ દરેક પાસે પોતાની ભૂલો સુધારવાનો અને સાચાં માર્ગે વળવાનો એક મોકો પણ હોય છે. પસંદગી આપણી છે! એક અંગ્રેજી મુવી છે ડેવિલ્સ એડવોકેટ. એમાં ડેવિલના આ શબ્દો છે, “માયા અને મિથ્યાભિમાન ચોક્કસપણે મારું પ્રિય પાપ છે”. હું લોકોને એના તરફ આકર્ષવા મારા બનતા પ્રયાસ કરીશ.

કોઈપણ પરિસ્થિતિ, મૂંઝવણ કે દુવિધામાં જો માનવી નિરાંતે નિશ્ચલ થઇ શુદ્ધ મનથી નિર્ધાર કરે તો કોઈજ સંદેહ કે દ્વિધા વગર સચ્ચાઈના માર્ગ પર ચાલી શકે છે. પરંતુ એણે શાંત ચિત્તે વિચારવાં, સત્યને સ્વીકારવાં માટે કોઈજ સમય ફાળવવો નથી હોતો. જયારે સમય, સંજોગો અને કર્મોની થપાટ વાગે છે ત્યારે એ પરમાત્માને લલકારે છે, જવાબ માંગે છે. અફસોસ! ત્યારે એને કોઈજ જવાબ નથી મળતો. એ અવસર અને
પળ એ ચુકી ગયો હોય છે જયારે અંતરે સાદ આપ્યો હતો, સાચો માર્ગ ચીંધવા માટે પોકાર્યો હતો…!

Conscience is a Man’s Compass – Vincent Van Gogh

‘શબ્દો સંચાર પણ કરે છે અને સંહાર પણ, વિચારો વિકાસ પણ કરે છે અને વિનાશ પણ, કર્મો નિર્વાણ પણ અપાવે છે અને દંડ પણ’ આપણાં કર્મો આપણાં વિચારોથી પ્રભાવિત હોય છે, એને સાચો માર્ગ બતાવવો કેટલો જરૂરી છે એ આપણે નક્કી કરવું રહ્યું.
એ માર્ગ આપણે કોઈને પૂછવાનો નથી કે કોઈનો માર્ગ અનુસરવાનો નથી. આપણો માર્ગ આપણે ‘અંતઃકરણ’ થીજ નક્કી કરવાનો છે.

‘પૃથ્વીલોક’ ‘સંસારલોક’ ‘મૃત્યુલોક’

‘પૃથ્વીલોક’ ‘સંસારલોક’ ‘મૃત્યુલોક’

‘આ સંસાર અસાર છે’ મારા બાપુ(દાદા) આવી માળા ગણતાં. ત્યારે મને સમજાતું નહતું કેમ આવાં સુંદર સંસારને અસાર કહેવાય છે. મોટી થતી ગયી તેમ સમજાતું ગયું કે આ સંસારમાં રહેલું બધું મિથ્યા જ તો છે વળી. શરીર અને શ્વાસ બધુંજ તો ઊછીનું છે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને વેદના ના ચક્રવ્યૂહમાં બધાંજ સપડાયેલા છીએ છતાં મોહ અને માયાથી અનાસક્ત નથી રહી શકતા. પોતાનો ફાયદો જોવામાં દરેક વ્યક્તિ વ્યસ્ત છે. દેશનું રાજકારણ હોય કે પછી કોઈ સંસ્થા, કોર્પેરેશન કે ઘર, નજર બધાંની પૈસા, ખુરશી અને પાવર પર જ ટંકાયેલી હોય છે. અલ્પકાલિન હોવા છતાં બધા જીવનને ચિરસ્થાયી માની નેજ ચાલે છે. જાણતાં હોવા છતાં એ માનવાં કોઈ તૈયાર નથી કે જીવનના બેજ છેડા છે- જન્મ અને મૃત્યુ. અંતે બધાએ જવાનું છે મૃત્યુના શરણે જ. અને એટલેજ આ સંસારલોક ને ‘મૃત્યુલોક’ કહેવાય છે. મૃત્યુની વાત કરવામાં બધાને ખચકાટ થાય છે, ભય લાગે છે. મૃત્યુ કરતા એનો ડર વ્યાપક હોય છે. એટલેજ આટલી ઇન્શ્યોરન્સ કંપનીઓ કમાય છે અને ધોમ ચાલે છે -ડર વેચીને. જીવવામાં જેટલું જોમ નથી હોતું એનાથી વધુ મરવાના ડર હેઠળ દબાયેલા હોઈએ છીએ આપણે. જીવનના કોઈપણ નાના-મોટા ગોલ એચિવ કરી મંજિલ પર પહોંચીએ ત્યારે આપણે એની ઉજવણી, સેલિબ્રેશન કરીએ છીએ. પરંતુ જયારે જીવનનો અંતિમ ગોલ પૂરો થવાની અણીએ હોય અને ડેસ્ટિનેશન આવવાનું હોય ત્યારે કેમ ભય લાગે છે? આવકાર તો નથી આપી શક્તાં ઉલ્ટા એનાથી દૂર ભાગીયે છીએ, અને એટલેજ એનો સતત ભય સતાવે છે. મૃત્યુ એ એક ઘોર અંધકાર સમું, ઊંડી ખીણ જેવું લાગે છે. એની નજીક આપણે દરેક પળ જઈ રહીયા છીએ પણ જવું નથી. એટલે મૃત્યુ પછી કમેમરેટ સેરેમની થાય પણ માણસની હયાતીમાં એનું સેલિબ્રેશન ન થાય. મૃત્યુનું તો કાંઈ સેલિબ્રેશન હોય?

કોલેજમાં હતી ત્યારે વઢવાણ ગામનાં એક દાદીએ સંથારો કર્યો હતો. એમના દર્શન કરવા અમે બધા મિત્રો ગયા હતા. હું જૈન એટલે બધા સ્વાભાવિક પ્રશ્નો પૂછતાં કે સંથારો એટલે શું? કેમ કરે સંથારો? મારી થોડીઘણી જાણકારી અનુસાર જયારે આપણે બધીજ મોહ-માયા છોડવાને સમર્થ થઈએ, ખાવા-પીવાનું પણ છોડી દેવા મક્કમ હોઈએ અને બસ ઈશ્વરના શરણે જવા રાજીખુશી તૈયાર હોઈએ ત્યારે આવી ભાવના જાગે છે. ત્યારે આપણે મૃત્યુને આવકારીએ છીએ. જીવનની અંતિમ કસોટીમાં પાર ઉતારવા માટે ત્યાગ,જપઃ,અને તપ કરીએ છીએ. મારા બા ની ભાષામાં કહું તો ‘સારા કર્મોનો ઉદય થાય ત્યારે આવી ભાવના જાગે’. આ દાદી ત્યાગ અને તપસ્યાના એ પઢાવ પર પહોંચી ગયા હતા, પણ હજી કસોટી તો બાકીજ હતી. લગબાગ ૬૮ વર્ષ એમની ઉંમર હશે અને ૩૪ દિવસ થયા હતા અન્ન-પાણી વગર, છતાં ચેહરા પર તેજ છલકતું હતું. બધાં મહાસતીજી એમની સેવામાં, મહિલાઓ આખો દિવસ સ્તવન કરાવે અને ઘરમાં એવું દિવ્ય વાતાવરણ કે ત્યાંથી જવાનું મન ન થાય. લોકો લાંબી કતારમાં ઉભા રહીને એમના દર્શન કરવા આવતા. થોડા સમય પછી મને પાછું જાણવાની ઈચ્છા થઇ કે દાદી કેમ હશે? ૬૧ દિવસ થયા હતા છતાં એ દાદીની પરીક્ષા હજી ચાલુજ હતી. હું પાછી દર્શન કરવા ગઈ હતી, એવુંજ દિવ્ય વાતાવરણ પણ હવે દાદી ઊભાં નહતા થઇ શકતા, લાગી રહ્યું હતું કે હવે એમની કસોટી પુરી થશે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હવે એમની કસોટી પુરી કરો. અને જયારે થોડા દિવસ પછી એ કાળધર્મ પામ્યાં ત્યારે એક ઉત્સવનો માહોલ સર્જાયો. દાદીની જયજયકાર,કંકુ/વાસ્કેપનો છંટકાવ, જમણવાર અને લ્હાણીઓ. ‘દાદી દેવલોક પામ્યાં’ એવું મનાય છે કે સંથારો કરી દેવલોકને પામીયે. ન કોઈ શોક કે ન કોઈ રોકકકળ, ત્યારે મને સમજાયું કે મૃત્યુનો માત્ર ખોફ ન હોય મહોત્સવ પણ હોય.

આ કરવું સહેલું નથી હું જાણું છું, આપણા જેવા સામાન્ય માણસ માટે લગભગ અશક્ય જેવુંજ છે. પણ મૃત્યુનો ડર કે ખોફ રાખવો એ પણ બિનજરૂરી જ છે. જીવવાં માટે બધાજ પ્રયાસ કરવાનાં, બને એટલું હકારાત્મકતા અને ઝિંદાદિલીથી જીવવું પણ એક દિવસ મોતના શરણે જવાનું છે એ ધ્યાનમાં જરૂર રાખવું જોઈએ. આપણે થીઅરી ઓફ રિલેટીવિટી ન સમજતા હોઈએ તો કોઈ વાંધો નહિ પણ જો એટલું સમજીયે કે મૃત્યુ છે તો જીવનનું મહત્વ છે તો પણ ઘણું. પહાડો સામે બધાને જોવું ગમે, એને ચઢવામાં એડવેન્ચર લાગે, પણ ખીણ વગર પહાડ કેમ ઉદ્ભવે? અંધકાર વગર અજવાળાનો સો મહિમા, દુઃખ વગર સુખ સમજાય?

આ જીવન એક દેન છે, ભેટ છે. કોઈએ આપેલું છે અને એ પણ એક્સપાયરી ડેટ સાથે. વળી,૭૦ વર્ષ પછીનો તો દરેક દિવસ બોનસ જ છે. ભારતનો ‘લાઈફ એક્સપેક્ટનસિ રેટ ૭૦’ છે. છતાં પણ કોઈપણ ૭૦ ઉપરનાં વૃદ્ધ વ્યક્તિનું નિધન થાય તો લોકો દુઃખદ અવસાન કરી લાંબી લાંબી પોસ્ટ મૂકે. આજકાલ FB એક અવસાન નોંધ અને યુલોજી નું માધ્યમ બની રહ્યું છે. ૭૦ વર્ષથી ઉપર ની કોઈપણ વ્યક્તિ જાય તો તમારી ખોટ અનુભવાશે, અમને એકલા છોડતાં ગયા, અમારા ઉપરથી હાથ ઊઠી ગયા, આવું ગમગીન વાતાવરણ શું કામ? કોઈ સાહિત્યકારની કૃતિઓ વાંચશે નહિ પણ એમના માટે લાંબી લચક પોસ્ટ લખશે, અરે! ખોટ નથી કરતા ગયાં ઘણું મૂકતા ગયા છે, વાંચવું હોય તો! જે મોટી ઉંમરની વ્યક્તિ રિબાઈ નથી, કોઈની સેવાચાકરી કરાવી નથી, પરવશ નથી થઇ, અને સૌંયો ભોંકાવ્યા વગર હરિશરણ પામી છે એમના માટે આપણે સંતોષ કેમ ન અનુભવીએ? કેમ એમ ન કહી શકીયે કે સારું જીવન જીવ્યાં,અમને ઘણું શીખવતાઁ ગયાં, આજે એ અહીં નથી રહ્યાં પણ એમનો આશીર્વાદ હંમેશા રહેશે. અવસાન દુઃખદ જ કેમ? એ પણ વરિષ્ઠ વ્યક્તિનું? એનું કારણ છે કે આપણને દયામણા, બિચારા, લાંબી બીમારીથી પીડાઈ મરતાં લોકો જોવાની આદત છે. માત્ર હાડકા ઉપર ચામડી ચોંટાડી હોય એમ જીવતા લોકો માટે એમના છૂટવાની પ્રાર્થના કરવાની આપણને આદત છે. મારા બા અને નાનીના છેલ્લા વર્ષો મેં એવા જોયા છે કે પ્રાર્થના કરતા પણ રડી પડીયે કે, હૈ ભગવાન, હવે આમને લઇ લ્યો! એમની સરખામણીમાં તો મને આ કોરોનામાં જતા વૃદ્ધ વ્યક્તિઓનું મૃત્યુ સંતોષકારક લાગે છે. હા, દુઃખ તો થવાનુંજ છે,એ સ્વાભાવિક છે. પણ અંદરખાને આપણે પણ જાણીયે છીએ કે ઉંમરલાયક થવું અને ઉંમરની બીમારીઓ સહન કરવી સહેલી નથી.આ કોરોનાને ગમે તેટલી ગાળો આપીયે પણ એ રિબાવતો નથી, જલ્દી ફેંસલો આપે છે. એનો અર્થ એ નથી કે ૭૦ ઉપરના એ જીવવાની આશ છોડી દેવી જોઈએ. અરે, પૂરતી લડત કરવાની જીવવાં માટે. બનતા બધાંજ ઉપાયો અને પ્રયાસો પણ કરવાનાં. પણ છેલ્લે ઘરવાળાઓ ને સમજાવતાં જવાનું કે લોકો ને સાહસ આપે, આમ દુઃખદ અવસાન કરીને ડરાવે નહિ. કેટલા નાની ઉંમરના લોકો માત્ર આંકડા જોઈને ,ડરીને,હિંમત હારી જાય છે. યુવાનો, બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ ને આજે સારવાર કરતા ધૈર્ય અને નિર્ભયતાની વધારે જરૂર છે. મૃત્યુથી ભાગવાનું નથી, ડરવાનું પણ નથી, બસ પુરા જોશથી એની સામે અડીખમ ઊભાં રહેવાનું છે, આવકાર નથી કરવાનો પણ એનો અસ્વીકાર પણ નથીજ કરવાનો. એક વાર વ્યક્તિ ચાલી ગયી પછી એની પાછળ દુઃખમાં બધી એનર્જી કાઢવા કરતાં એમના માટે મેડિટેશન કેમ ન કરીયે? ધ્યાન ધરીયે,શાંતિ સ્થાપીએ અને અવસાનને દુઃખદ નહિ પણ સંતોષકારક બનાવીયે. RIP અને લાંબા દુઃખડા ગાવાં કરતાં ખરેખર એમના માટે પીસફુલ વાતાવરણ સર્જીએ. એ ત્યારેજ થાય જયારે આપણે શોક ન કરતાં શાંતિપ્રિય થઇ એમને પ્રેમથી યાદ કરીએ. બીજાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બનીયે.

નાના ઉંમરના યુવાનો અને બાળકોના મૃત્યુની ઘટના રુંવાડા ઊભાં કરી દે છે, માત્ર કોરોનાથી નહિ અનેક રીતે લોકો જિંદગી ગુમાવે જ છે. રેલવે અકસિડેન્ટ, રોડ અકસ્માત, પ્લેન ક્રેશ, જેવી ઓચિંતી બનતી ઘટનાઓ તો ક્યારેક આપઘાત, લાંબી બીમારીઓ અને કુદરતી આફતો. આ મૃત્યુલોકમાં બધું થવાનુંજ છે. આપણે એને ઘટાડી જરૂર શકીયે મિટાવી ન શકીયે. કોઈ ને કોઈ નિમિત્ત તો બનવાનુંજ છે. જિંદગી અને આપણું અસ્તિત્વ એક સત્ય છે એમ મૃત્યુ પણ એક સત્ય જ છે. જયારે આ સત્યને સ્વિકારીશુ ત્યારે દરેક નજીવી બાબતને લઇને દુઃખી નહિ થઈએ. જીવનને સંપૂર્ણતાથી જોઈ શકીશુ અને સત-ચિત્ત-આનંદ થી આ જિંદગીને વ્યતીત કરીશુ.
મોત ને હરાવવાંની નથી એમાંથી આપણે છૂટી નીકળવાનું છે, મોત શાશ્વત છે એને હરાવી ન શકાય, અંતરથી જાગૃત થઈએ ત્યારે સ્વીકારી શકાય. એને સ્વીકારવાની પણ એક ઉંમર,સમજણ, જ્ઞાન,ભાવના અને મનોવૃત્તિ હોય છે. જિંદગી જીવવાની સાથે આ ભાવનાને કેળવવી પણ એટલીજ જરૂરી છે એવું હવે મને સમજાય છે.
દરેક દિવસનો ઉત્તમોત્તમ ઉપયોગ કરી, પોતાના આંતરિક વિકાસ માટે અને બીજા માટે બને એટલું કરી છૂટવા માટે આ જીવન છે.

રિલેટીવિટી થીઅરી પ્રમાણે આપણે બધાં એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ છીએ. આપણે જેવા વાયબ્રેશન બ્રહ્માંડમાં છોડીયે છીએ એવુંજ વિશ્વ આપણી આસપાસ રચાય છે. આપણે એક પેઢીને ઉછેરવાની છે અને નવી પેઢીને આવકારવાની છે. આપણે બધાં સાથે મળીને કેમ સારી એનર્જી, વાયબ્રેશન અને એક પોઝિટિવ ઔરા સર્જી ન શકીયે? કુદરત એની કરામત કરશેજ અને સદીઓથી કરતીજ આવી છે. આપણે આપણી સહનશક્તિ અને સર્જનાત્મકતા વડે એની સાથે વહેવાનું છે, એનાથી વિરુદ્ધ નહિ. ડર થી નહિ, નીડર બનીને! 🙏🙏👍

આપણી જવાબદારી કોરોનામુક્ત થવાની…Fight corona

જો અત્યારે નહીં તો ક્યારે? જો હું નહીં તો કોણ ?

જીવન અણધાર્યું છે એ સૌને ખબર છે. આજે છીએ અને કાલે નથી એ પણ સહુ જાણે છે. જીવનનો કોઈ ભરોસો નથી એટલા માટે આપણી જાત અને બીજાની જિંદગી પ્રત્યેનું આપણું વર્તન અને વલણ બેદરકારીભર્યું રાખવું શું એ યોગ્ય છે? આત્મા મરતો નથી એ તો અમર છે એ જ્ઞાન આપણને છે પણ જયારે કોઈ સ્વજનનું હાલતું-ચાલતું શરીર લાશ થઇ જાય ત્યારે એ માનવામાં નથી આવતું. ત્યારે એ સ્વજનને પાછું લાવવા સિવાયનું બીજું બધું જ વ્યર્થ લાગે છે. બધી તાકાત આપણે દુઆ, પ્રાર્થના, સારવાર, અને છેવટે લાગવગમાં પણ લગાવી દઈએ છીએ કે કેમ કરી આપણી વ્હાલી વ્યક્તિ બેડ ઉપરથી ઊભી થઇ સાજી થઇ જાય.

આપણને કર્મ અને ધર્મ પ્રત્યે હંમેશા ઘણાં પ્રશ્નો ઉદ્ભવ્યા છે.સાચા-ખોટા,નૈતિક-અનૈતિક કાર્યો વચ્ચે ઘણીવાર આપણે ગૂંચવણ અનુભવીએ છીએ. ધર્મ,અધ્યાત્મ કે વિજ્ઞાન કોના ઉપર વિશ્વાસ મૂકવો? નજરે જોયેલું સાચું માનવું કે કાને સાંભળેલું? આપણી દ્વિધાઓને દૂર કરવા માટે ઘણીવખત આપણે પરમાત્માને વિનંતીઓ કરી હશે અને કરતા જ હોઈએ છીએ. એના જવાબો દર વખતે આપણે સમજી નથી શકતા.પણ આ વખતે તેણે મૉટેથી, સ્પષ્ટ અને ઉદાહરણ સાથે સમજાવ્યું છે, ચેતવ્યા છે, અને સજાગ થવા માટે સૂચન પણ કર્યું છે.
આજે આપણા ધર્મને લગતા બધા પ્રશ્નો, દ્વિધાઓ, મૂંઝવણોનો અંત આવી ગયો છે. આજે કર્મ અને ધર્મ બંને એક બની ગયા છે. આજે મંજિલ પણ સ્પષ્ટ છે અને માર્ગ પણ. આજે બધાએ એકજ દિશામાં, એકજ માર્ગ, અને એકજ રીતે આગળ વધવાનું છે એ પછી કોઈપણ દેશ, પ્રાંત,ધર્મ કે જાતિનો માનુષ હોય. આજે પરમાત્માએ ખરા અર્થમાં સમજાવ્યું છે કે એના માટે બધા સમાન છે, એ કોઈમાં ભેદ નથી કરતો. આજે દરેક મનુષ્યનો પહેલો ધર્મ સાવચેતી, આત્મ-સંયમ અને એકલતા જ છે. ‘સ્વબચાવ અને બીજાનો બચાવ’

કોરોના વિશ્વવ્યાપી છે. કોઈ એનાથી ઇમ્યુન નથી. આ કસોટી અને તપસ્યા બધા માટે સમાન છે. એમ માનવું કે ભારતમાં સરકાર, ડૉક્ટર કે મેડિકલ સ્ટાફ એટલો સારો નથી, સારવાર સારી નથી મળતી, વેક્સીન સારી નથી…વગેરે તો એ સાચું નથી.હાં, સારા અને નરસા બંને અનુભવો હશે પણ આ મહામારીમાં ‘વ્યક્તિગત જવાબદારી જ મહત્વની છે’. પ્લીઝ બીજી વાર વાંચો ‘વ્યક્તિગત જવાબદારી જ મહત્વની છે’.

જાન્યુઆરી ૨૩, ૨૦૨૦ માં ચાઇનાથી આવેલ પ્રવાસીનો પેહલો covid કેસ અહીં સિંગાપોરમાં આવ્યો. ફેબ્રુઆરીમાં મમ્મી-પપ્પા કહેતા હતા કે અહીં આવી જાવ, ભારતમાં કશું નથી ત્યારે અહીંના PM એ જાહેર કર્યું કે જે કોઈ દેશની બહાર જશે એનો કોરોનાની સારવારનો કોઈ ખર્ચ સરકાર નહિ ઉપાડે અને પાછાં આવવાનો વિઝા મળશે એની પણ કોઈ ગેરેન્ટી નહિ. જે લોકો મજબૂરીમાં ગયા છે એ હજી સુધી પાછાં આવી નથી શક્યાં. કોઈના પિતા ગુજરી ગયા, તો કોઈ પિતા બની ગયા પણ કોઈ પરિવારને મળી નથી શક્યાં. દોઢ વર્ષથી ઉપર થઇ ગયું છે છતાં માતા-પિતા છોકરાઓ, ઘણા પરિવારો અલગ જ રહી ગયા છે. સિંગાપોર અમદાવાદથી નાનું છે. મલેશિયા, ઇન્ડોનેશિયા કલાકની દૂરી પર છે છતાં લોકો પરિવારથી દૂર રહે છે, કારણ કે બોર્ડર બંધ છે. દોઢ વર્ષથી માસ્ક વગર ઘરની બહાર નીકળ્યા નથી. ૬-વર્ષ થી ઉપરના દરેક છોકરાઓ પણ સાત કલાક સ્કૂલમાં માસ્ક પહેરી બેસે છે. ૮ લોકોથી વધારે ક્યાંય જઈ ન શકાય, ઘરે પણ મળી ન શકાય. આ બધું સહેલું છે? બિલકુલ નથી.એટલેજ છેલ્લા ૩-૪ મહિનાઓથી સિંગાપોરમાં કોઈ જ કોરોના કેસ નથી. કોઈજ કેસ નહિ હોવા છતાં માસ્ક ૨૦૨૧ પૂરું થશે ત્યાં સુધી ફરજીયાત છે. આજુબાજુનાં બધા દેશોની સરખામણીમાં સિંગાપોર કેવી રીતે કોરોનાને માત આપવામાં સફળ છે એનો એક જ જવાબ છે ‘માસ્ક’ અને ‘કડક નિયમ પાલન’. અહીં પણ લોકોની નોકરીઓ ગઈ છે, નાનાંમોટાં ઘણા આઉટલેટ્સ બંધ થયા છે. બચત ઉપર જ જીવે છે સરકાર,કારણ કે કોઈ બાહ્ય આવક નથી. ટુરિઝમ બંધ છે એટલે હોટલો, ફરવાના સ્થળો બધું ખોટમાં છે. તકલીફ છે છતાં જિંદગીને ‘માણસને’ મહત્વ અપાયું છે.

Psycho-Cybernetics નામની બુકમાં એના લેખક મૅક્સવેલે એમના પ્રયોગો અને અનુભવો પરથી લખ્યું છે કે કોઈપણ આદત પડતા લગભગ ૨૧ દિવસ લાગે છે. સારી કે નરસી. જે વર્તન આપણે વારંવાર, રોજે કરીએ એ આપણી આદત બની જાય છે. ઘણીવાર વચ્ચે થીજ આદત છૂટી જાય છે કારણ કે મનુષ્યને એ કામ કરવામાં કંટાળો આવે છે, કોઈ પુરસ્કાર નથી મળતો.એટલે આ સેલ્ફ-હેલ્પ બુકમાં એવા રસ્તાઓ બતાવવામાં આવ્યા છે જે સફળતા અને કામયાબી માટેની સારી આદતોને જીવનમાં ઉતારવામાં મદદ કરે. આપણાં માટે અત્યારે સૌથી અગત્યની સફળતા એ ‘કોરોના મુક્ત’ થવું છે .૨૧ દિવસ રોજે માસ્ક પહેરી ન શકાય? ૧ થી માંડી ૮ કલાક સુધી એની ટેવ પાડી ન શકાય? હજી આખું વર્ષ પહેરવાનુંજ છે એમ જાતને સમજાવી ન શકાય? થઇ જ શકે. તકલીફ ત્યાં છે કે બધાં નથી પહેરતા, બીજાને કેમ સમજાવવાં? આપણી ગાડી કોઈ પાછળ થી ઠોકે તો આપણે ચૂપ રહીયે છીએ? હું કોણ છું ખબર છે, સીધું પુછીયે છીએ ને? લડવા પણ તૈયાર થઇ જઈએ. તો પછી આપણાં જીવનની ગાડી ને કોઈ માસ્ક વગર વાત કરી કેમ ઠોકી શકે? આ તો જીવન માટેની લડાઈ છે. માસ્ક વગરનો કોઈપણ માણસ આપણા માટે વાઇરસ સમાન જ છે,એ આપણને ગમે ત્યારે પાડી સુવડાવી દેશે એ સમજી લેવું. ‘માસ્ક નથી તો મને માન્ય નથી’ બસ આજ સૂત્રથી આ પરિસ્થિતિ માંથી બચી શકાશે. આ સમય એવો છે જયારે કોઈ પરેજી ન રાખે, માસ્ક ન પહેરે, ખોટા ભેગા થાય અને તમે મૌન રાખો તો એ વિશ્વાસઘાત જ છે, ખુદ જોડે અને સમાજ જોડે પણ.

મનુષ્ય નશ્વર છે પણ આ જીવન તો અમૂલ્ય છે. દુનિયાના મોટાભાગનાં લોકો માટે આપણે અસ્તિત્વ નથી ધરાવતા પણ અમુક લોકો માટે આપણે એમની દુનિયા છીએ! એમના માટે જીવો, એમના માટે બોલો, એમના માટે થઇ કડક થાવ, આદતો બદલો, જે અસ્વીકાર્ય હોય એનો વિરોધ કરતા ખચકાવ નહિ.
કોઈનો જીવ આપણા થકી જાય કે કોઈ આપણાથી પીડાય એનાથી વધુ દુઃખ શેનું હોય? મદદ ન કરી શકીયે તો કાંઈ નહિ નડતર તો ન થઈએ. ઘરડાઓ ને ઘરમાં નથી બેસવું, યુવાનો થી પણ નથી બેસાતું, કેમ? ‘કઈ બાર કુછ ભી નહિ કરને સે હમ બહુત કુછ કર જાતે હૈ, જો કુછ નહિ કરતા કમાલ કરતા હૈ! આ ક્યાંક સાચું છે.અત્યારે કાંઈજ કરવાનું નથી બસ બની શકે એટલું ઘરે બેસવાનું છે. એજ કમાલ કરશે, કોરોના ને નાબૂદ કરશે. આપણી આદતો, વલણ અને વર્તન બધુજ સારું કરી દેશે જો આપણે એ કરવા તૈયાર હોઈએ તો. અઘરું છે અશક્ય નથી. સંયમ અને સદાચાર એ તો આપણા ધર્મ ગ્રંથોનો સાર છે, એ પછી કોઈપણ ગ્રંથ કેમ ન હોય. ધર્મમાં પોતે જ નીતિપરાયણતા અને નૈતિકતા તેમ જ સંયમ અને સદાચાર શામેલ છે.આત્મ-નિયંત્રણ વિના આપણે ન તો ધર્મ અને ન તો મોક્ષને પામી શકીએ.
આપણો અત્યારનો ધર્મ આજ છે:
-‘વ્યકતિગત જવાબદારી’ ‘આત્મ-નિયંત્રણ’ ‘સંયમ’
-‘માસ્ક નથી તો મને માન્ય નથી’
-૨૧ દિવસમાં કોઈ પણ આદત બનાવી શકાય છે જે જીવનને સફળ બનાવે. આપણા માટે અત્યારે સફળતાનું બીજું નામ ‘કોરોના મુક્તિ’ છે. THE MAGIC OF 21 DAYS

હું અહીં સુરક્ષિત બેસીને આ લખું છું ત્યારે ઘણાંને એમ થશે તમને શું ફેર પડે? તમારે તો સારું છે. તો હાં,કદાચ હું સુરક્ષિત છું, પણ પિંજરામાં છું. ૨-વર્ષ થી માતા-પિતા, ભાઈ-બહેન, સાસુ- સસરા કોઈને મળી નથી શકી. એક દીકરાને એના દાદી ને મળવું છે, એક દીકરીને માતા-પિતાને. જ્યાં સુધી ભારત રાબેતા મુજબ, નોર્મલ નહિ થાય ત્યાં સુધી અમે અમારા પરિવારથી દૂર રહીશું એ વિચારી અત્યંત દુઃખ થાય છે. ભારત મારા દિલમાં હરહંમેશ વસે છે. જો એ સુરક્ષિત ન હોય, મહામારી હેઠળ દબાયેલું હોય, લોકો ભયભીત હોય, તો મારુ દિલ પણ ખિન્નતા અનુભવે છે. વિષાદ અને અનુત્સાહથી અમે પણ ઘેરાય જઈએ છીએ જયારે ત્યાંના આંકડા સમાચારમાં જોઈએ છીએ. પણ આશા અમર રાખવાની છે. શ્રદ્ધા અને વિશ્વાસ છે કે બધું જલ્દી થી જલ્દી સારું થશે, બસ આપણે જવાબદાર બનીયે અને આપણું દાયિત્વ નીભવીયે,પોતાના, બીજા અને સમગ્ર સમાજ માટે.
Let’s be accountable and responsible to fight against Covid.
મારો પ્રેમ અને મારી પ્રાર્થના મારા વતન અને વતનવાસીઓ સાથે સદૈવ છે. 🙏💐💗

‘Self-assessment’ ‘સ્વ-પરીક્ષણ કે સ્વાવલોકન’

બાળપણથી શરુ કરીને જીવનના દરેક સ્તર પર આપણું મૂલ્યાંકન થતું આવ્યું છે.પરીક્ષાઓ, સ્પર્ધાઓ, અને હરીફાઈઓ જીવનનો એક એવો હિસ્સો છે જેનાથી પલાયન થવું મુશ્કિલ જ નહિ નામુમકીન છે. નાના હોઈએ ત્યાર થીજ આપણને ભણતા આવડે કે ન આવડે પરીક્ષા આપતા જરૂર આવડી જાય છે. કારણ કે એજ પહેલા શીખવવામાં આવે છે. ફર્સ્ટ ટેસ્ટ ધેમ, મેક ધેમ લર્ન લેટર. છોકરાઓને આપણે ક્યારેય પરીક્ષાનો સાચો હેતુ સમજાવતા નથી. મોટાભાગની આયોજિત શૈક્ષણિક અને વ્યવસાયિક પરીક્ષાઓ અને એના પરિણામરૂપે થતું મૂલ્યાંકન આપણી ઓળખ બનાવવા માટે હોય છે. બીજાની તુલનામાં આપણે કયા ક્રમે-આગળ કે પાછળ છીએ એ દર્શાવી એ આપણા આત્મવિશ્વાસ અને અહમને પોષે છે અથવા તો શોષે છે. આ આયોજિત પરીક્ષાઓ મહદ્દઅંશે બાહ્ય હોય છે. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, અર્થતંત્ર વિગેરેને લગતા પ્રશ્નો અને એના જવાબો. એમાં ક્યાંય અંતર સાથે કોઈ સંવાદ નથી હોતો. મનન અને ચિંતન કરવાનું હોય તો પણ ભેગી કરેલી માહિતી અને શીખડાવેલી મેથડ ઉપર. આપણી મુલવણી મુખયત્વે આપણે મેળવેલા માર્ક્સ ઉપર જ થાય છે અને એટલે જ આ બાહ્ય પરીક્ષાઓને આપણે આટલું મહત્વ આપીયે છીએ. આપણું પર્ફોર્મન્સ જ્યાં જ્યાં અંકાય છે ત્યાં ત્યાં આપણે સતેજ અને સજાગ હોઈએ છીએ. એમાં અવ્વલ આવવા માટે સતત મહેનત કરીએ છીએ.

પ્રોફેશનલ લાઈફ માં પ્રવેશ થયો ત્યારે મને થયું હાશ, હવે પરીક્ષા નહિ આપવાની થાય! પણ એવું તે કેમ બને? ત્યાં તો એક નવો જ કન્સેપટ શરુ થયો – પર્ફોર્મન્સ એસેસમેન્ટ. પેહલા આ પ્રાઇવેટ જોબ્સ પૂરતું સીમિત હતું પણ હવે તો મોટા ભાગની ગવર્મેન્ટ જોબ્સમાં પણ અનિવાર્ય થઇ ગયું છે. શરૂઆતના વર્ષોમાં જયારે આ કોન્સેપટ આવ્યો ત્યારે દર વર્ષે તમારા ઉપરી અધિકારી કે લાઈન મેનેજર તમારું આખા વર્ષના કાર્યોનું મૂલ્યાંકન કરે અને તમારું ઇન્ક્રિમેન્ટ અને પ્રોમોશન નક્કી કરે. પરંતુ એમાં ટ્રાન્સપરંસી નો અભાવ હતો. એટલે ધીરે ધીરે આ પદ્ધતિમાં બદલાવ આવ્યો અને હવે મોટા ભાગની મલ્ટિનેશનલ કંપનીઝમાં એમપ્લોયી પાસે ‘સેલ્ફ-એસેસમેન્ટ’ કરાવવામાં આવે છે. એમાં એટ્ટીટ્યૂડ, કૉમ્યૂનિકેશન, બિહેવિયર, ટીમ પ્લેયર જેવી જુદી જુદી કક્ષામાં એણે કેવું યોગદાન આપ્યું છે એ એણે જાતેજ ભરવાનું હોય છે.કંપનીના ગોલ્સ હાંસલ કરવામાં કેવી રીતે ભાગ ભજવ્યો, પોતાના ડીપાર્ટમેન્ટના કામમાં કોઈ નવીનતા લાવી, પોતાના કલીગ્સ સાથે કેવી રીતે કોઓર્ડીનેટ કરીને પ્રોડક્ટ કે સર્વિસમાં સુધાર લાવ્યો વગેરે અને આવતા વર્ષમાં એ કયા ટાર્ગેટ્સ પોતાના માટે સેટ કરશે જે કંપનીના ટાર્ગેટ સાથે મેચ થાય એ બધું ઓન લાઈન પોર્ટલ ઉપર લખવાનું હોય છે. ત્યારબાદ મેનેજર એનું વિવેચન કરીને પ્રતિસાદ આપે છે અને પગારની વૃદ્ધિ અને પ્રોમોશન નક્કી કરે છે. આ આખી પ્રક્રિયા દર વર્ષે રિપીટ થયા કરે છે. આ પ્રોસેસને બારીકાઇથી તપાસીએ તો ખ્યાલ આવે કે આખી પ્રક્રિયા નો મૂળ હેતુ એક જ છે. Do better, serve better and gain better for yourself and the company . હા, કંપની પોલિટિક્સ પણ હોય છે એમાં ના નહિ. જ્યાં જ્યાં માણસ હોય ત્યાં પોલિટિક્સ હોય જ, એકલો હોય તો માણસ મન સાથે ગેમ રમી લે છે, એ એનો મૂળભૂત સ્વભાવ છે. પણ એક સારા કન્સેપટ સેલ્ફ -એસેસમેન્ટ નો આપણા અંગત જીવનમાં આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ? અંગત જીવન અને સંબંધોમાં આવું કોઈ પરફોર્મન્સ એનાલિસિસ નથી થતું એટલે શું આપણે એને ગ્રાન્ટેડ લઈએ છીએ?

સેલ્ફ ટોક, સેલ્ફ એનાલિસિસ, અને સેલ્ફ એસેસમેન્ટ જેવા શબ્દો ભલે મેનેજમેન્ટ ફિલસુફી લાગે પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ એ અત્યંત ઉપયોગી નીવડે છે. સામાન્યતઃ માનવીનો સ્વભાવ બીજામાં અને પરિસ્થિતિઓમાં દોષ શોધવાનો હોય છે. દોષ શોધી તો શકાય છે પણ એનાથી કશુંજ બદલી શકાતું નથી. જયારે આપણામાં અને આપણા કામ કરવાના તારિકા બદલાય છે ત્યારેજ અનુકૂળ સ્થિતિઓ સર્જાય છે.
એક માણસે સંપૂર્ણ જ્ઞાન પામવા માટે પહાડ પર જઈ તપસ્યા કરવાનું નક્કી કર્યું. દર બે વર્ષે ત્યાં તપસ્વીઓ સમક્ષ ભગવાન ઉપસ્થિત થાય છે એમ તેણે લોકો પાસેથી જાણ્યું હતું. એક વર્ષની તપસ્યા દરમિયાન આ માણસે ત્યાંના ઝાડ-પાન અને ફળો આરોગ્યાં,અને એ બધો પુરવઠો હવે ખતમ થવા આવ્યો હતો. એટલે આ માણસે ભગવાનને દોષ આપવાનું ચાલુ કર્યું, હૈ ભગવાન, હું બધું છોડીને અહીં આવ્યો અને આટલી કઠીન તપસ્યા કરી છતાં તમે મારા સમક્ષ હાજર ન થયા. હવે મારે મારી ભૂખ સંતોષવા અને જીવવા પાછા ગામમાં જવું પડશે. એ જયારે પાછો વળ્યો ત્યારે એક દેવદૂત આવ્યો અને એણે પેલા માણસને કહ્યું, ભગવાન ને ચોક્કસ તારી સાથે વાત કરવી હતી. આખું વર્ષ ભગવાને તને ખવડાવ્યું અને એ ઇચ્છતા હતા કે હવે તું જાતે વાવે,લણે અને તારી ભૂખ સંતોષે. તો તે શું વાવ્યું? જે માણસ જ્યાં રહે ત્યાં જો કશું શીખી ન શકે, વાવી ન શકે, પોતાની જરૂરિયાત સંતોષવા સંઘર્ષ કરી કામ ન કરી શકે એ માણસ બીજાને શું જ્ઞાન આપે?
Conquer yourself first then try to change the world for better. The most challenging and painful step is to change and evolve with time.

આપણે સૌ ક્યાંક ને ક્યાંક આ માણસ જેવા છીએ. સંબંધોમાં, સમાજમાં, ઓફિસમાં, કાયદાઓમાં બધેજ આપણને ઉણપ દેખાય છે. પણ શું આપણામાં ઊણપ નથી? આપણે સ્વયંને છોડીને બધાની ચકાસણી કરવામાં સક્ષમ છીએ. પેપર પેન લઈને કોઈ દિવસ આપણે હિસાબ નથી માંડતા કે ગયા વર્ષે કેટલી ભૂલ કરી, કોનું પત્તુ કાપ્યું, કોને નીચા દેખાડ્યા, કોને અવગણ્યા, કોનું દિલ દુભાવ્યું? અવાક, જાવક, ડિસ્કાઉન્ટ, સેલ, વ્યાજ, ટેક્સ બધાનો હિસાબ આપણે રાખીયે માત્ર આપણી આંતરિક ઉન્નતિના વિકાસ નો કોઈ જ હિસાબ આપણે રાખતા નથી. એનું કારણ છે કે આ હિસાબ અને એનું મૂલ્યાંકન કોઈ જોવાનું નથી. કોઈપણ એવું પરીક્ષણ થતુંજ નથી જ્યાં માણસાઈ, સચ્ચાઈ, અચ્છાઈ, અને બીજાને કરેલી સહાય પર તમારું મૂલ્ય-નિર્ધારણ થાય. જૂની પેઢી નવીમાં,નવી પેઢી જૂનીમાં,સ્ત્રીઓ પુરુષોમાં,પુરુષો સ્ત્રીઓમાં,સાસુ વહુમાં,વહુ સાસુમાં બધાજ એકબીજાની ખામીઓ શોધી નિંદા કર્યા કરે. પરંતુ બધા પરત્વેનું આપણું વલણ સુયોગ્ય છે કે નહિ એની ખાતરી કોણ કરે? આપણી ખામીઓ, સ્વભાવ, ગેરસમજ, એટિટ્યૂડથી આપણે કેટલા લોકોને ખોઈ દીધા, કેટલા સંબંધો નિર્જીવ થઇ ગયા, મુરજાય ગયા એનો કોઈ હિસાબ આપણે નથી રાખતા. એક બાપ,પતિ, દોસ્ત, ભાઈ કે માં, પત્ની, વહુ, સાસુ તરીકે આપણું પરીક્ષણ ક્યારેય આપણે કર્યું હશે? મને એકવાર મારા મિત્ર એ પૂછ્યું હતું, તને એક મોકો મળે તો તું તારા જીવનમાં રહેલી કઈ વ્યક્તિને બદલે? મેં બે ઘડી વિચાર કર્યો અને ત્યારે મને થયું કે જો આવો મોકો મળતો હોય તો ચોક્કસ ૨-૫ વ્યક્તિઓ મને એમના જીવન માંથી બદલવા ઈચ્છે, કારણ કે ખામીઓ તો મારામાં છેજ. એટલે મેં જવાબ આપ્યો,’ હું મારા જીવનની એકપણ વ્યક્તિને કોઈ બીજા સાથે બદલવા નથી ઇચ્છતી, એટલે નહિ કે એ લોકો બેસ્ટ છે પરંતુ એટલે કે હું બેસ્ટ નથી, એ હું જાણું છું.’

કંપનીઓ આવા સેલ્ફ-એસેસમેન્ટ એટલે કરાવે છે કારણ કે એક કર્મચારી જો સારો બદલાવ લાવે તો સંસ્થાને પણ આગળ વધારે છે, નફો કરાવે છે, પરંતુ એમાં ક્યાંય વ્યક્તિગત વિકાસની વાત નથી હોતી. સ્વ-નિરીક્ષણ અને સ્વ-પરીક્ષણ થીજ આપણે વિકસી અને વિસ્તરી શકીયે છીએ. જે લોકો પોતાનામાં પરિવર્તન ની આવશકતા ને જોઈ શકે છે અને એ વિષે કંઈક કરી શકે છે તેઓ ઈશ્વરના કૃપાપાત્ર છે. પોતાના અંદર પરિવર્તન લાવવાથી આપણે કશુંક સુધારવા માટે કાબિલ બનીયે છીએ એ બાબત કેટલી અદભુત, કેટલી ઉત્સાહપ્રેરક છે! જે સહેલું છે એ સાદું ,જે અઘરું છે એજ શ્રેષ્ઠ પરિણામો લાવે છે. સ્વયંને પહેચાનવું, સ્વયંને સુધારવું અને સ્વયંમાં પરિવર્તન લાવવું અતિ કઠીન છે અને એટલેજ એ ઉત્તમોત્તમ પરિણામો લાવે છે. સ્વયં માટે બીજા માટે અને સમસ્ત જગત માટે.

જિંદગી તો ચોક્કસ કસોટીઓ કરે, પાસ પણ કરે અને નાપાસ પણ, સફળતાનો તાજ પણ પહેરાવે અને જમીનની ધૂળ પણ ચટાડે, આગળ વધારે તો ક્યારેક પાછળ પણ ધકેલે. બાહ્ય પરીક્ષણો હોદ્દો કે દરજ્જો જરૂર આપે છે પણ આત્મ સંતોષ તો આત્મ-નિરીક્ષણ અને સેલ્ફ એસેસમેન્ટ થીજ મળે છે. મનુષ્ય ગઈકાલ ની સાપેક્ષે આજે કયા સ્તરે ઉભો છે, કેટલો પરિપક્વ થયો છે, કેટલો પરિવર્તિત થયો છે અને વિકટ પરિસ્થિઓનો સામનો કરવા કેટલો મક્કમ, અડગ અને સમર્થ છે એજ એનું સાચું મૂલ્યાંકન છે. આજના યુગમાં જયારે અહમનું ઈન્ફ્લેશન કે ‘ઇન્ફ્લેટેડ ઈગો’ નો વ્યાપ કોરોના કરતા પણ વધી રહ્યો છે ત્યારે સ્વ-પરીક્ષણ કે સ્વાવલોકન આપણને એક ઠહેરાવ, એક વિચાર અને એક મોકો આપશે- પોતાને, સંબંધોને, બીજાને અને પરિસ્થિતિઓને એક અલગ એંગલ થી જોવાનો અને જાણવાનો. આવનારી પેઢીને પણ આ શીખવવું એટલુંજ જરૂરી છે જેટલું બાહ્ય પરીક્ષાઓનું મૂલ્ય સમજાવવું. જાત સાથે વાત કરવી એ એક લ્હાવો નથી, જરૂરિયાત છે. જિંદગીની ખાસિયત એ છે કે આપણે વીતેલી કાલ ને બદલી નથી શકતા, એની જોઈ શકીયે છીએ, વધુ સારી રીતે સમજી શકીયે છીએ, એમાંથી શીખી શકીયે છીએ અને સારા બદલાવ લાવી શકીયે છીએ જેથી આવનારી જિંદગી રંજ,અફસોસ કે ગિલ્ટ કરતા સમજણ, પ્રેમ, સંતોષ અને ખુમારીથી જીવી શકીયે.આપણી આજ અને આવનારી કાલ આપણી સંમુખ ઊભી છે, અણસ્પર્ષેલી, અનવદ્ય. આપણે એને કેમ મળીશુ અને કેવી બાનવીશું એ આપણા ‘સ્વયં’ ઉપર છે.

Celebrate your normalcy in a Unique Way “આપણી સામાન્યતાને અનન્ય રીતે ઉજવીએ’

‘આપણી સામાન્યતાને અનન્ય રીતે ઉજવીએ’

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ‘સેલિબ્રેટ યોર યુનિકનેસ’ તમારી વિશિષ્ટતાની ઉજવણી કરો.
દુનિયાની વધતી જતી વસ્તીમાં ખોવાય જવું સહેલું છે,પણ પોતાનામાં કાંઈક અનુપમ શોધી એને રોજે માણવું એટલુંજ અઘરું.સાત અબજ લોકોના ચહેરા અને ફિંગરપ્રિન્ટ ચોક્કસ જુદા છે પણ કોઈપણ કામ કે કલા હવે એવા નથી રહ્યા કે માત્ર કોઈ ખાસ વ્યક્તિજ કરી શકે. મોનોપોલી શબ્દ નાબૂદ થવામાં હવે બહુ વાર નથી. આજે જે કાર્યો મનુષ્ય કરે છે કાલે એ મશીન કરશે. આજના યુગમાં મનુષ્યની લાગણીઓ અને પ્રેમ સિવાય બીજું કશું એવું નથી રહ્યું જે ઈરરીપ્લેસબલ હોય! સચિન પછી ક્રિકેટમાં રસ નહિ પડે એવું મનાતું હતું પણ ધોની અને કોહલી એ કમાલ કરી, ધોની પછી ટીમ અનાથ થઇ જશે એવું લાગતું હતું ત્યારે ઇન્સ્ટન્ટ રિપ્લેસમેન્ટ પંથએ ધૂમ મચાવી. આવા યુગમાં દરેક વ્યક્તિ પોતાને ‘નોર્મલ’ કે સામાન્ય જ માને અને માનવુંજ જોઈએ, ખાસ, અનોખું કે અદભુત રોજે તો શું હોય કે કરી શકાય? માટે મારે એક નવો એફોરિઝમ કોઈન કરવો છે ”સેલિબ્રેટ યોર નોર્મલસી ઈન એ યુનિક વે’. તમારી સામાન્યતાને અનન્ય રીતે ઉજવો.

પશુ-પક્ષીઓ અને મનુષ્યોમાં એક બહુ મોટો તફાવત એ છે કે માણસ વિચારી શકે છે, ચકાસણી કરી છે કે મારામાં કાંઈ વિશેષ છે કે નહિ, જો હોય તો માણું નહીંતર શોક કરું. ઓસ્ટ્રિચ એ સૌથી વજનદાર, સૌથી ઊંચું અને બે પગ પર સૌથી ઝડપથી ભાગતું પક્ષી છે. એનું વજન આશરે ૮૦-૧૨૦ કિલો છે. હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં લગભગ ૮૦ વાર પાંખ ફફડાવે છે અને એ એક માત્ર પક્ષી છે જે ઉલટું ઉડી શકે છે.એનું વજન માત્ર ૫-૬ ગ્રામ છે. કહેવાનો તાત્પર્ય એ છે એક વજનદાર છે એટલે એની ખાસિયત છે અને બીજું વજાનહીન છે એટલે. એમની આ વિશિષ્ટતા આપણે જોઈ, જાણી અને સરખામણી કરી શકીયે છીએ પરંતુ એમને એની જાણ કે ભાન નથી એટલે એ સાચા અર્થે એનો ઉપયોગ કરી ખુશ રહે છે. એમને મન એ સામાન્ય આવડત કે સ્કિલ જ હોય છે. પરંતુ આપણે આપણામાં રહેલી ફાઈન આર્ટ ને પણ જો સંપૂર્ણપણે માણતા ન હોઈએ તો સામાન્ય કલા ની તો વાત જ ક્યાં? આજે કોઈપણ પ્રવૃત્તિ કરવી હોય તો એમ થાય હજારો લોકો કરે છે, એમાં શું નવીનતા. કલા શીખવા કે પરસ્યુ કરવાનો સમય અને પૈસા બધા પાસે નથી હોતા અને હોય તો એ પણ હજારો લોકો કરે જ છે એટલે એમાં આગળ વધવાનો કોઈ અવકાશ નથી એવું માનીને છોડી દઈએ. વળી, ઘણાને કોઈ આર્ટ નો શોખ ન હોય એવું પણ બને એટલે રોજિંદા જીવનમાં ક્યારેક બધું બોરિંગ લાગવા લાગે. આપણે જાણે કશું કરતા નથી કે શીખતાંજ નથી એવું પણ આપણને ઘણીવાર લાગે. આવા સંજોગોમાં હતાશ થવાને બદલે આપણામાં એવું કશુંક શોધવાની અને એને માણવાની પ્રેરણા ક્યાંથી લેવી?

બાળપણમાં છોકરાઓને કોઈ ન કોઈ કલા જરૂર શીખવામાં આવતી હોય છે. આજકાલ તો ફેન્સી કલા શીખવવાનો ટ્રેન્ડ છે. અમારા બાળપણમાં મારી બહેન ગ્લાસ પેઇન્ટિંગ, ક્લે આર્ટ,અને આજુબાજુના આન્ટી પાસેથી ભરત-ગુંથણ એવું ઘણું શીખી ઘરની શોભા વધારતી. કોઈ ઘરે આવે ત્યારે કાંઈક નવીન જોઈ અચૂક એની વાત અને વખાણ થાય. મને એ કશામાં રસ પડે નહિ.વળી, મારી સ્પોર્ટ્સની ટ્રોફીસ કેટલી વાર બતાવી શકાય? કોઈક વાર મને મનમાં થાય કે હું કાંઈક તો કરું જે બતાવી શકાય! એકાદ પેઇન્ટિંગ મેં પણ બનાવી દીધું અને વોલ પર ટાંગી દીધું. એ પછી હાથમાં ક્યારેય પીંછી લીધી નથી! ૧૫ વર્ષની થઇ ત્યારે મમ્મી એ રોટલી શીખવાનું કહ્યું. પહેલા તો મને જેન્ડર બાયસ્ડ કામ લાગ્યું. પણ ગરમ રોટલી ખાવા પ્રત્યે મને અનહદ પ્રેમ, એવું ભાગ્યેજ બને કે મારી સામે ગરમ રોટલી બનતી હોય અને હું ઉભા-ઉભા એક રોટલી-શાક ન ખાવ. મારા એ પ્રેમે મને રોટલી શીખવા માટે આકર્ષિત કરી. એની પાંચ તબક્કામાં વહેંચાયેલી પ્રક્રિયા એ મને કોઈ અમૂલ્ય કલાથી ઓછી ન લાગી. લોટ બાંધવાથી માંડીને ઘી લગાવવા સુધીની એનું દરેક સ્ટેપ રસપ્રદ લાગ્યું. રાંધણ કલાની સૌથી ચેલેંજિંગ આઈટમ મને આજ લાગી. આ કલા એવી છે જ્યાં માપ અને મેથડ કહી દેવા છતાં એ તત્કાલિન બની જતી નથી. વેલણને કેમ ફેરવવું એ પરફેક્ટલી સમજાવી જ શકાતું નથી અને એટલેજ મહિનાઓ લાગી જાય છે પાતળી,ગોળ અને ફૂલકો રોટલી બનાવતા.અમુક મહિનાઓ માંજ હું આ કલામાં માહિર થઇ ગઈ હતી. પછી મારા બા(દાદી) સાથે ‘ભારોભાર’ ઘણી રોટલીઓ કરી. ભારોભાર નામ એટલે પડ્યું હતું કારણ કે હું વણતા સમયે ભારોભાર અટામણ લેતી. બા સાથે ખાખરા માટે રોટલીઓ કરીને પણ ખૂબ મજા કરી. મમ્મી સાથે રોટલી કરતા કરતા વાતો કરવી એ મારા જીવનની બેસ્ટ ક્ષણો માંની એક હતી. પછી તો જ્યાં મોકો મળે ત્યાં આ કલાનું પ્રદર્શન કર્યા વગર કેમ રહેવાય? રોટલી બનાવવી કેટલી સામાન્ય લાગે ને? પણ વિદેશમાં એમાં પણ જ્યાં દક્ષિણ ભારતીયો વધુ રહેતા હોય ત્યાં તમે ગરમ ફૂલકા ઉતારો ત્યારે એ કોઈ સર્વોચ્ચ કલાથી ઓછી ન લાગે. મારી સાઉથની ફ્રેન્ડ ફૂલકાની એવી દિવાની થઇ હતી કે ભાતને છોડી રોટલીને ભરપૂર માણતી. મારી મ્યાનમારની હેલ્પર પણ મારો રોટલી પ્રેમ જોઈ ફૂલકા બનાવતા શીખી ગઈ હતી. તો આજની મમ્મીઓ જે એમ કહેતી હોય કે રોટલી બનાવી કોઈનું ભલું નથી થયું કાંઈ શીખવાની જરૂર નથી તો મારો આગ્રહ છે કે તમને આવડતી હોય તો ચોક્કસ તમારી છોકરીઓ ને શીખવજો, બીજા માટે નહિ એના પોતાના માટે.પછી એના પર છોડી દેજો એને એ કલાને મઠારી ઉપયોગ કરવો છે કે નહિ. અલબત્ત, આજકાલ મશીન પણ આવી ગયા છે રોટલી બનાવવાના અને સમય બચાવવા માટે એનો ઉપયોગ કરવો ખોટો પણ નથી. પરંતુ હાથથી બનાવેલ કોઈપણ વાનગી અમૂલ્ય હોય છે અને એટલેજ હોમમેઇડ એન્ડ હેન્ડમેઇડ ફૂડન આજે ખરેખર યુનિક ગણાય છે. ઇટ્સ ઇવન ઓર્ગનિક યુ નો !

આજે પુરુષો ભલે માસ્ટર શેફ બની નાન, કુલચા, કે તંદૂરી રોટલી ઉતારતા હોય પણ પાતળી, ગોળ ચકડોળ જેવી અને ફૂલીને દડા જેવી થતી રોટલી એ ગ્રેસ સાથે ન બનાવી શકે જે એક સ્ત્રી બનાવી શકે. એનો અર્થ એ નથી કે પુરૂષ એ ન બનાવી શકે. ગ્રેસ એ સ્ત્રીને મળેલી કુદરતી દેન છે એટલે એ વધુ ગ્રેસથી આ નાજુક કલા ને નિભાવે.એમાં પણ જો માં, પત્ની, બહેન, સાસુ કે વહુ જે નમણાશથી અને પ્રેમનો રસ ભેળવી એને પીરશે એને કોઈ પહોંચીજ ન શકે. આજે હું વિદેશમાં હોવા છતાં પણ પોતના હાથથી બનાવેલી ગરમ રોટલી જયારે મોં માં મુકું ત્યારે ચોક્કસ કહું,હે ભગવાન! આ કલા શીખવવા બદલ તારો આભાર, આના જેવો સંતોષ ક્યાંય નથી હો! હું તો કહું છું કે રોટલીની કલાને સેલિબ્રેટ કરવા હાથમાં બંગડીઓ પહેરી, નેઈલપોલિશ લગાડી ટન-ટન કરતા રોટલી વણવી જોઈએ, એ મ્યુઝિક સાથે બનાવેલી રોટલી એક ટ્રેડિશનલ રિફ્રેશિંગ થેરપી જ છે!

આપણા રોજિંદા જીવનમાં આવી ઘણી બધી પ્રવૃતિઓ હોય છે જે આપણને સામાન્ય લાગતી હોવાથી આપણે એને મહત્વ નથી આપતા પણ જો એને ધ્યાનથી નિહાળીયે તો કદાચ એ કરવામાં વધુ આનંદ પામી શકીયે. છોકરાઓને વાર્તા કહેવી, ઘરડાઓ સાથે સમય કાઢી વાતો કરવી, નિયમિત કસરત કરવી, કોઈને યાદ કરી હંમેશા ફોન કરવો,બીજાની સમસ્યાઓને માત્ર સાંભળવી-બધું સારું થઇ જશે હું છું તારી જોડે એમ કહેવું, રંગોળી કરવી, નવી વાનગી બનાવવી, નિજાનંદ માટે ગાવું, નાચવું, સારું વાંચવું, લખવું, પ્રાર્થના કરવી, યોગ કરવો, મેડિટેશન કરવું ….આવી તો અસંખ્ય કલા અને કામ છે. આમાંથી કાંઈ પણ કરવામાં કોઈ ખાસ હુન્નર કે પ્રતિભાની જરૂર નથી. એ આપણા રોજિંદા જીવનનો જ એક એવો હિસ્સો છે જેને લાઇમલાઈટ નથી મળી. એના ઉપર થોડો ફોકસ કરીએ તો એ આપણા જીવનને જરૂર થોડું ચમકાવશે.
સો ”સેલિબ્રેટ યોર નોર્મલસી ઈન એ યુનિક વે’.

પુરુષની નજરથી સ્ત્રી પર થતી અસર -A man’s gaze at woman tells many things about him…

‘પુરુષની નજરથી સ્ત્રી પર થતી અસર’

દરેક સ્ત્રી એ પછી કિશોરી, કુમારી કે શ્રીમતી હોય, પુરુષ ની નજર ની ભાષા ને સમજતી હોય છે. અહીં પુરુષ એટલે એ બધાજ; છોકરો, જુવાન કે વૃદ્ધ, ભાઈ, કાકા, મામા, પિતા કે પતિ કોઈપણ સંબંધમાં હોય. હું એ નિશ્ચિતરૂપે કહીં શકું કે કોઈપણ સ્ત્રી (એટલીસ્ટ ઈન ઇન્ડિયા) એવી નહિ હોય જેણે જીવન માં કોઈ પુરુષની નજર કે શબ્દો થી ઓકવર્ડ ફીલ ન કર્યું હોય. પરંતુ આપણે એવા સમાજ માં રહીયે છીએ જ્યાં અપહરણ થયા પછી પણ સીતા એ અગ્નિપરીક્ષા આપવી પડે એટલે મોટા ભાગે સ્ત્રીઓ ચૂપ રહે, અવગણે કે પછી સહન કરે. આજના જમાનામાં અમુક સ્ત્રીઓ પોતાના સાથે થતા દુરાચાર માટે અવાજ ઉઠાવતી થઇ છે. એ સ્ત્રી જે જેન્યુઈનલી પોતાની સાથે થયેલા દુરવ્યવહાર ને સમાજ સમક્ષ લાવી શકે એ બહાદુર કહીં શકાય. કારણ કે જે દેશમાં સ્ત્રીના પોશાક અને મેરિટલ સ્ટેટ્સ થી એના વિષે મત બંધાતો હોય ત્યાં મૌન તોડી બોલવું એ નીડરતા જ છે. હમણાંજ ઉત્તરાખંડ ના CM સાહેબે કરેલી ટિપ્પણી મુજબ રીપ્પ્ડ(ફાટેલા) જીન્સ પહેરેલી સ્ત્રી સોસાયટીમાં અને સંતાનો પર ખરાબ અસર કરે છે એવું એમનું માનવું છે. છોકરાઓ જેવું જોશે એ કરશે જેથી સ્ત્રીએ સભ્યતા વાળા વસ્ત્રો પહેરવા જોઈએ એવું પણ એ કહે છે.

મારે એમને અને સમાજ માં વસતા દરેકને એ પ્રશ્ન પૂછવો છે કે પહેરવેશ થી કેટલો ફર્ક પડે? હું ૨૨ વર્ષ ની થઇ ત્યાં સુધી મને સ્લીવલેસ કે શોર્ટ્સ પહેરવાની પરમિશન ન હતી સી-થ્રુ તો ભૂલી જાઓ. છતાં પણ સ્કૂલ અને કોલેજ દરમિયાન રખડેલ છોકરાઓ પાછળ આવતાં, વિસલો વગાડતાં. ઘણીવાર હું મમ્મી-પપ્પાને કહેતી પણ નહતી કારણ કે મને એવો ડર કે મારુંજ ક્યાંક ખરાબ લાગે. દરેક છોકરી પોતાની સાથે બનતા અપ્રિય બનાવ માટે ક્યાંક પોતાનો વાંક જોતી હોય છે, કદાચ એને અસ્વીકાર નો ડર લાગતો હોય છે.લોફર અને આવારા છોકરાઓ મારા જેવી ઘણી છોકરીઓ ના શ્વાસ રૂંધાય જાય ત્યાં સુધી પીછો કરતા હશે. એ કરવા પાછળ નો હેતુ શું? મસ્તી કે પછી કોઈ રીતે છોકરીને અડકીલેવાનો ગંદો ઈરાદો? માત્ર ત્રાહિત પુરુષોજ નહિ ફેમિલીમાં પણ આવા ઘણા બનાવ બનતા હોય જ્યાં સ્ત્રીઓ પુરુષો ના ખરાબ વર્તન થી શોષાય છે કે સહન કરે છે. આ વિષય ઉપર ઘણી ફિલ્મો પણ બની છે.

મારી મમ્મી એ ૪૦ વર્ષ નોકરી કરી.સાડી પહેરી અને અમુક વર્ષો તો માથે ઓઢીને પણ, અને આજ સુધી એણે જિન્સ નથી પહેર્યું છતાંપણ મેં નોકરી ચાલુ કરી ત્યારે એણે મને સ્ત્રી તરીકેની અમુક અગત્યની સલાહ આપી હતી:
-કોઈ મેન સાથે કાર માં હાઈવે પર કે લોન્ગ ડિસ્ટન્સ એકલા જવું નહિ બંને તો આગળ બેસવું પણ નહિ.
-રીક્ષા માં જો કોઈ મેલ ની બાજુમાં બેસવું જ પડે એમ હોય તો યુવાન ની બાજુ માં બેસવું વૃદ્ધ પાસે નહિ.
-પરુષ ની નજર થી આપણને સમજાય જાય કે એના મન માં આપણા માટે કેવા વિચાર છે.
મારી મમ્મી એ પણ એના જીવનમાં ઘણીવાર આવા ઓકવર્ડ અનુભવ કર્યાજ હશે અને એટલેજ પોતાની દીકરીને એનાથી બચાવવાં માટે આવી સલાહ આપવીજ પડી હશે.

મને એ પ્રશ્ન થાય કે કોઈ છોકરો જયારે નોકરી કરવા જાય ત્યારે એની માં એને શીખવતી હશે કે સારું આચરણ રાખજે, હું પુરુષ ની નજર નો શિકાર થઇ હતી પણ તું કોઈ છોકરી કે સ્ત્રી ને તારી નજર થી ન રંજાડતો, તારા શબ્દો થી એને શરીર કે પોશાક વિષે શરમ ન અપાવતો. છોકરાઓએ તો બસ જોબમાં એક્સેલ કરવાનું એજ શુભેચ્છઓ સાથે ઘરથી રવાના કરી દેવાતાં હોય છે.

હમણાં એક AAP પાર્ટી ની લેડી ના પીક્સ પર બીભત્સ કૉમેન્ટ્સ કરી પુરુષો મજા લેતા હતા. એ કહેવું જરૂરી છે કે લેડી એ પણ સાડી પહેરી હતી અને અરવિંદ કેજરીવાલ ની આપ પાર્ટી નું બેનર ગળા માં પહેર્યું હતું. કેજરીવાલ નો ફોટો એના ચેસ્ટ અને સ્ત્રીઓ માટે વપરાતા બ્રેસ્ટ પર આવતો હતો એમાં તો વિરોધ પક્ષના લૂખ્ખાઓ મચી પડ્યા. FB કે સોશ્યિલ મીડિયા પર તો વધારે સહેલું છે આવા અશ્લીલ શબ્દો થી પ્રહાર કરવો આઇડેન્ટિટી છુપાવીને. આવા અપમાનજનક અને મલિન વર્તન માટે લેડી એ સાયબર સેલ ને ફરિયાદ પણ નોંધાવી. તો રાવત સાહેબ અને એમના જેવા બીજા બધાં જે એમ સમજતા હોય કે સ્ત્રી ના પહેરવેશ થી પુરુષ ઉત્તેજાય છે કે પ્રોવોક થાય છે તો લિસન: યુ આર સિક એન્ડ યુ આર રોન્ગ.ગ્રો અપ! ખરાબ નજર ધરાવતો પુરુષ તો બુરખા ની આરપાર જોઈ લેતો હોય છે, માત્ર સ્ત્રી નામની વસ્તુ સામે હોવી જોઈએ. એ દુઃખ ની વાત છે પણ સ્ત્રીઓને જાતીય આનંદ અને પ્રસન્નતા માટે ઓબ્જેકટીફાય કરવામાં આપણે કોઈ કસર નથી છોડતા.

We can grow old but we have to grow -Up! A human cant be a bonsai, he has to grow both in character and action ~#Mittal

હા, શોર્ટ્સ પહેરીને મંદિર માં ન જઈએ, પ્રોફેસર હોય તો કોલેજ માં રિવીલિંગ કપડાં ન પહેરીયે પણ બીચ પર તો બિકીની પહેરી ફરી શકાય અને ફ્રેન્ડ્સ જોડે બરમુડા પહેરીને પણ જઈ શકાય. ૧૦ વર્ષ થી સિંગાપોર માં રહું છું અને એ કહીં શકું કે આ દેશ સ્ત્રીઓ માટે જન્નત છે કારણ કે સજા નરક સમાન અપાય છે કોઈ સ્ત્રી સાથે કરેલા મોલેસ્ટેશન માટે.એક પુરુષ તરીકે જયારે મારો પાર્ટનર એમ કહે કે જો મારે દીકરી હોય તો હું એને આજીવન અહીંજ સેટલ કરું. એનો અર્થ એ થાય કે પુરુષ જયારે પિતા બંને ત્યારે એને એની દીકરી ની ચિંતા થવાં લાગે, પણ એ દીકરીઓ નું શું જે તમારીજ આસપાસ કામ કરે છે? એમના પિતા પણ ચિંતિત નહિ હોય? મેં એસ ટી બસ માં પણ મુસાફરી કરી છે અને એરપ્લેન માં પણ. એવા પુરુષ ની માનસિકતા માં બહુ ખાસ ફર્ક નથી હોતો જેને સ્ત્રીમાં ફક્ત એનું શરીર જ દેખાય છે. એસ ટી વાળા છોકરાઓ હાથ અને કોણી મારીને સળી કરે અને એરપ્લેન વાળા એરહોસ્ટેસ ને વારંવાર બોલાવી એની સાથે નજીક થી વાત કરવાનો આનંદ લે. માંદગી મગજ અને વિચારો માં છે. દરેક પુરુષ એ જાણતો હોય છે કે એણે એની નજર અને વર્તન પર નિયંત્રણ રાખવું જરૂરી છે, પણ જ્યાં કોઈ નુકશાન વગર ફાયદો લેવાતો હોય તો એ તક છોડી શકતો નથી. ત્યારે એ નજર અને આચરણ પરનું સંતુલન ગુમાવી બેસે છે. સિંગપોર, સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ જેવા દેશોના કાયદાઓ આવા દુષ્ટ વિચારો ને કાબૂ માં લાવવાં માટે અત્યંત જરૂરી છે. એ ભારત તારા કાયદા ક્યારે સ્ટ્રોંગ થશે?

આપણને આશ્ચર્ય થાય કે આવી માનસિકતા કોઈ જન્મતા ની સાથે તો નહિ લાવતું હોય તો ક્યાંથી પ્રવેશતી હશે? સ્ત્રી જોબ માં સારું કરે તો બોસ સાથે ચક્કર હશે, કોલેજમાં માર્ક્સ સારા લાવે તો પ્રોફેસર સાથે ચાલુ હશે, એક થી વધારે મેલ ફ્રેન્ડ્સ હોય તો બેડ ગર્લ, ટૂંકા કપડાં પહેરે તો પ્રોવોકેટિવ, સાદી સિમ્પલ હોય તો બહેનજી,
ડિવોર્સડ હોય તો અભિમાની, સિંગલ હોય તો અવેઇલેબલ ! સ્ત્રીઓ ના શરીર અને દેખાવ પરનાં જોક્સ આપણા થકી ફોરવર્ડ થાય જ કેમ? હ્યુમર અને ચિપ જોક્સ માં ફર્ક છે. રમૂજ આનંદ સ્ત્રી-પુરુષ ના હળવાં ટુચકા એકબીજા સાથે શેર કરી મસ્તી કરીએ પણ સ્ત્રીઓ ના શરીર ને એક ‘ઓબ્જેક્ટ’ ન જ બનાવી શકાય. સોશ્યિલ મીડિયા માં ‘બાયડીયું’ ના ફોટાને જ લાઈક મળે, સ્ત્રીઓ કઈ પણ લખે એટલે પુરુષો કૉમેન્ટ્સ આપે એવું કહેનારા પુરુષોને હું મારા અંગત અનુભવ થી એ પણ કહીશ કે એવા પુરુષો પણ છે જે પર્સનલ માં લેખ સારો છે એમ કહે છે અને પબ્લિક માં કોમેન્ટ એટલે નથી કરતા કારણ કે એમને બીજા પુરુષોની પર્સનલ કોમેન્ટ નો ભોગ નથી બનવું. કાલે સવારે જયારે તમારી દીકરી કે પત્ની કોઈ આર્ટમાં આગળ વધશે ત્યારે તમે જ એમની કળાને દુનિયા સમક્ષ પ્રસ્તુત નહિ કરો? ત્યારે તમે પ્રોત્સહન આપશો અને બીજા પાસે થી ઇચ્છશો પણ ખરા. આ દુનિયા એક અરીસા જેવી છે જેવી તમારી એકશન હશે એવુંજ રિફલેકશન તમને સામે આપશે એ ભૂલવું એ મૂર્ખતા છે.

સ્ત્રીઓને પારખવા માટે કે જજ કરવા માટે આપણે હરદમ તૈયાર જ હોઈએ છીએ, અને સ્ત્રીઓ ખુદ પણ એમાંથી બાકાત નથી. ઘણી સ્ત્રીઓ પોતાની જાતિ નું સન્માન નથી કરતી અને ઘણીવાર નબળા પુરુષોનો ફાયદો પણ લે છે એમાં ના નથી. પોતાની મરજી થી કોઈ પોતાનું માન ગુમાવે તો એને સમજાવી શકાય રોકી ન શકાય. પણ સ્ત્રીની કન્સેન્ટ વગર એની સાથે અશ્લીલ વ્યવહાર કરવો એ અપરાધ જ છે.
જયારે મનુષ્ય એમ સમજશે કે એ માત્ર પુરુષ કે માત્ર સ્ત્રી નથી બંને એકબીજા માં થોડાઘણા અંશે વસે છે ત્યારે કદાચ એની આ વૃત્તિ અને પ્રકૃતિ સુધરશે. પ્રેમ આપવો, સંભાળ કરવી,રુદન કરવું એ સ્ત્રીની પ્રકૃતિઓ શું પુરુષ માં નથી? પોતાના છોકરાઓ નું રક્ષણ કરવું, કામ કરવું, ક્રોધ આવવો આ પુરુષના લક્ષણો સ્ત્રીમાં નથી? જો બંને માં અમુક સમાનતા અને અમુક અસમાનતા હોય તો એ એકબીજા ને કોમ્પ્લીમેન્ટ કરવા જોઈએ અને કરેજ છે. માત્ર શરીર ના ભેદ ના કારણે સ્ત્રી ને કેમ પોતાના શરીર માટે આટલું સજાગ રહેવાનું? એ કેમ મુક્તપણે પુરુષ ની જેમ પોતાનું બોડી સેલિબ્રેટ ન કરે? પુરુષો ૬ પેક્સ ખુલે આમ બતાવે અને સ્ત્રીઓ એ એમનું ફિગર છુપાવવાનું આ કેવી માનસિકતા?

પુરુષ ની નજર અને સ્ત્રી સમક્ષ વપરાતા એના શબ્દો એનું ચરિત્ર અને પાત્ર બંને છતું કરે છે. અલબત્ત, ઘણા પુરુષ મિત્રો એમનો સહકાર, સહાય અને સાથ પણ આપતા હોય છે. આવા પુરુષો નું પ્રમાણ ધીરે ધીરે વધે પણ છે એટલે આપણે આશાવાદી બની શકીયે. ધેર ઇસ લાઈટ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ…
આવા મેલ્સ ની સખત જરૂર છે. સો બી ધેટ ડિસન્ટ મેન!🕴🙌

✍Written By : Mittal Chudgar Nanavati