Conscience. What is the right path?પ્રશ્ન એ છે કે સાચું શું?

પ્રશ્ન એ છે કે સાચું શું? કયો માર્ગ સાચો? સચ્ચાઈ નો માર્ગ કેમ પારખવો?
આપણાં હાથમાં છે એ આપણું કે આપણાં હક્કનું ? સામાન્ય રીતે હાથમાં આવેલી દરેક વસ્તુને આપણે પોતાની સમજીયે છીએ, એ પછી ભલે ને કોઈપણ રીતે મેળવેલી હોય! છળકપટ, પ્રપંચ, અનીતિ કે ભ્રષ્ટાચારથી પણ પામેલી વસ્તુ હાથમાં આવી ગયા પછી એ આપણાં હાથ માંથી છૂટતી નથી. ચોરના ઘરે ચોરી થાય તો શું ચોર દુઃખી થાય? હકીકતે તો એણે ન થવું જોઈએ, એમ પણ એ ક્યાં એનું હતું? પણ ચોર વધારે દુઃખી થાય છે કારણ કે પોતાની જાનના જોખમે કરેલી ચોરી હવે કોઈ બીજું ચોરી ગયું. ક્રોધાવેશમાં આવી હવે એ ચોર વધુ મોટી લૂંટ માટે તત્પર થાય છે. ચોર જેને પોતાનો હક્ક સમજે છે શું એ સાચે એનો છે? આપણે જીવનમાં પણ આવા ઘણાં વળાંક આવે છે જયારે આપણો સાચો અધિકાર શું છે એ સમજવામાં આપણે નિરર્થક નિવડિયે છીએ અને એને પરિણામે ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણાં ઈરાદા શુદ્ધ નથી હોતા છતાં બીજા લોકો આપણને લાલચી,સ્વાર્થી અને અપ્રમાણિક લાગે છે. આખું મહાભારત અધર્મ અને ધર્મની(સત્ય/અસત્ય) લડાઈ માટે થયું હતું. મહાભારતના લગભગ દરેક પાત્રએ ક્યાંક ને ક્યાંક અધર્મનો સહારો લીધો છે. એ કર્ણ, અર્જુન, ભીમ, દુર્યોધન કે પછી કેશવ પણ કેમ ન હોય. પરંતુ અધર્મ કરવા પાછળનો હેતુ શું છે એ સમજવું અત્યંત જરૂરી છે. અર્જુને કર્ણની પીઠ પર વાર કર્યો એ ખોટું હતું પણ કર્ણ અધર્મની સાથે હતો એ પણ એક સત્ય હતું. જો કર્ણ પોતાના મન સમીપ જઈને પોતાનેજ પ્રશ્ન કરે તો સાચો જવાબ એને મળી રહે કે અર્જુનનો હેતુ કદાચ ‘પ્રામાણિક’ હતો. મહાભારતમાં શું સાચું છે અને શું ખોટું છે એ સ્પષ્ટપણે સમજાવાયું નથી, એ વાંચનાર, સમજનાર પર છોડી દેવાયું છે અને એટલેજ એનું મહત્વ છે. શું સાચું કે શું ખોટું એ કોઈને પૂછવું એ તો મૂર્ખામી છે. એ પ્રશ્નોનો જવાબ આપણાં અંતઃકરણ સિવાય બીજા કોઈજ પાસે નથી.

પરમાત્માના બાહ્ય સ્વરૂપમાં આપણે મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ કે મોહમ્મદના જુદા જુદા ચહેરા જોઈએ છીએ પણ અંતરાત્માનો ચહેરો દરેક વ્યક્તિમાં સમાન જ છે. પરમાત્માનું એકજ વિશ્વવ્યાપી રૂપ છે ‘આપણી અંતરાત્મા’ કે ‘કોનસાઈન્સ’.આપણું અંતર મન આપણાં આત્માનો અરીસો છે, સચ્ચાઈનો અગાઢ સાગર છે, વિશ્વાસપાત્ર માર્ગદર્શક છે,આપણાં બધાજ પ્રશ્નોની ઉત્તરવહી છે. કોઈપણ કાર્ય કર્યાં પછી જો મન ગ્લાનિ અનુભવે તો સમજી લેવું કે કરેલ કામમાં કોઈ ક્ષતિ જરૂર છે અને જો મન પ્રફુલ્લિત કે હળવું થાય તો સમજવું કે કાર્ય નીતિમત્તાથી પાર પડ્યું છે. આ જગતમાં એવી એકપણ વ્યક્તિ નહિ હોય જેને ક્યારેય પોતાના અંતરાત્માનો અવાજ ન સાંભળ્યો હોય. હાં, એ અવાજની અવગણના જરૂર કરી હશે, એક નહિ અનેક વાર! એ પરમાત્માનો ઉપકાર જ છે કે આપણને દર વખતે એક સંકેત આપે છે, સાચાં-ખોટા, નૈતિક-અનૈતિક,પ્રામાણિક-અપ્રમાણિક કાર્યો વચ્ચે જયારે આપણે પસંદગી કરીએ છીએ ત્યારે એ એક ઈશારો જરૂર કરે છે. અલબત્ત,નિર્ણય કરવાની જવાબદારી આપણાં પર છે. રાજકારણી જયારે ભ્રષ્ટાચાર આચરે, એક ડૉક્ટર જયારે ગેરમાર્ગે દોરે, એક ઉદ્યોગપતિ જયારે કૌભાંડ યોજે, એક વ્યાપારી જયારે છેતરપિંડી કરે, એક મનુષ્ય જયારે બીજાનો ફાયદો ઉઠાવે, એક માણસ જયારે અપરાધ કરે ત્યારે શું એમનો અંતરાત્મા એમને ચેતવણી નહિ આપતો હોય? એ કદાચ પ્રતિરોધ પણ કરતો હશે પણ માનવી દુન્યવી લાલચો, સ્વાર્થવૃત્તિ અને પોતના રાજસી અને તામસી કર્મોને આધીન થઇ અધર્મના માર્ગે ચાલતા અચકાતો નથી. અવિરત લોભ, તૃષ્ણા અને ક્રોધમાં ડૂબી બિનજરૂરી ભેગું કરવામાં અને લોકોને લૂંટી, ત્રાસ આપવામાં એ તલ્લીન હોય છે. સાસુ જયારે દિકરી અને વહુમાં ફર્ક કરે, દિકરો જયારે બાપનું અપમાન કરે, માં-બાપ છોકરાઓના જીવનમાં હસ્તક્ષેપ કરે, વહુ જયારે કુટુંબને વિભાજિત કરે, માણસ જયારે સારા હોવાનો ડોળ કરી વિશ્વાસઘાત કરે ત્યારે મનથી દરેક જાણતાં હોય છે કે એ યોગ્ય નથી કરી રહ્યાં,પરંતુ,આપણે અંતરને હરાવીને આપણાં અનુચિત કર્મોને જીતાડીએ છીએ. માણસ જયારે વસિયતનામું બનાવે છે ત્યારે પણ મનનું નહિ પણ મગજનું સાંભળી દાવપેચ કરે છે. જાત જતી રહે છે પણ પોતાના સ્વભાવનો પ્રભાવ છોડતાં જાય છે. મન અને મગજ વચ્ચે હંમેશા યુદ્ધ ચાલ્યા કરે છે. મન મગજની ગણતરી નથી સમજતું અને મગજ મનની લાગણીઓ. આપણો અંતરાત્મા આપણાં મગજની બધીજ નગ્ન હકીકતો જાણતો હોય છે એટલેજ આપણે એકાંતથી ડરીએ છીએ. આપણાં અનૈતિક,આડંબર અને કુટિલતાથી કરેલા કૃત્યો એકાંતના સમયમાં આપણાં વિચારોમાં ભમે છે. આવા કૃત્યો કર્યાં પછી એવો કોઈ પણ મનુષ્ય નહિ હોય જેને પરમ સુખ કે શાંતિ મળી હોય. હાં, દુનિયાની નજર સમક્ષ કદાચ એ રૂપિયા અને હોદ્દાવાળો, પ્રસિદ્ધ કે હોંશિયાર લાગે પણ અંદરથી એ ખિન્ન, લજ્જિત અને નિર્જન હોય છે. અસલામતીથી ભયભીત અને સંતાપથી બળતો હોય છે. પોતાના દુષિત કર્મોને ધોવા માટે દાન અને ધર્માદા કરે છે છતાં મનને શાંતિ નથી અર્પી શકતો.

કહેતે હૈ: રૂહ પર ભી દાગ આ જાતે હૈ, જબ દિલોં મે દિમાગ આ જાતે હૈ!

એક વિદ્વાનના સો જેટલા શિષ્યો હતા. બધાજ નિયમિત સમય પર પ્રાર્થના અને ધ્યાન કરતા સિવાય એક, જેને દારૂની લત હતી. જયારે આ ગુરુને ભાસ થયો કે એનું મૃત્યુ નજીક છે ત્યારે એમણે આ દારૂડિયા શિષ્યને બોલાવી પોતાના ધ્યાન અને વિધિઓના બધાંજ ગુપ્ત રહસ્યો એને શીખડાવ્યાં અને ગૂઢ જ્ઞાન પ્રદાન કર્યું. બીજા શિષ્યોએ એમના ગુરુ વિરુદ્ધ પ્રતિકાર દર્શાવ્યો. એમણે કહ્યું, અમે બધુંજ છોડીને એવા ગુરુ માટે બલિદાન આપ્યું જે અમારા ગુણોને પારખી જ ન શક્યાં. ત્યારે ગુરુએ જવાબ આપ્યો, મારે એવા શિષ્યને જ્ઞાન પ્રદાન કરવું હતું જેને હું સારી રીતે ઓળખતો હોઉં. જે લોકો સામાન્ય રીતે સદાચારી અને સદ્ગુણી લાગતાં હોય એ લોકો પોતાનો અહમ, અસહિષ્ણુતા અને દોષોને છુપાવતાં હોય છે. એટલે મેં એવા શિષ્યને પસંદ કર્યો જેના દોષો અને અવગુણો હું જાણું છું, એ મદ્યપાન કરે છે પણ પ્રત્યક્ષ છે, એના દુર્ગુણો છુપાવતો નથી. સાચાં હોવા કરતા પણ વધારે જરૂરી પારદર્શક હોવું છે, કારણ કે જે પ્રત્યક્ષ છે તેને પોતાના અંતરાત્મા સાથે ચોક્કસ સુમેળ હોય છે. કોઈ એક આદત ખરાબ હોવાથી માણસ ખરાબ નથી બની જતો, પરંતુ જો મનમાં દ્વેષ હોય તો સારી આદતો ધરાવતો અને સારું આચરણ કરતો માણસ પણ દુર્જનથી ઓછો નથી હોતો.

પરમાત્માએ આ સૃષ્ટિ સર્જી અને જીવન સર્જ્યું. મનુષ્યએ સૃષ્ટિમાં સ્થૂળ પ્રલોભનો સર્જ્યા અને એમાં મોહિત થઇ ભૌતિકવાદી બની રહ્યો. સુક્ષમ, અલૌકિક સંવેદનાઓ અને વૃત્તિઓ પ્રત્યે અજ્ઞાન થતો ગયો. પોતાનાજ મન અને અંતરાત્માથી અપરિચિત થતો ગયો.એટલેજ આજે મનુષ્ય ધર્મ અને અધર્મ વચ્ચે ભેદ સમજવામાં ગોથાં ખાય છે. જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના નામ પર સમાજમાં કેટલી વિષમતા અને ભેદભાવ સર્જાયા છે. અમુક મુદ્દાઓનો ઉકેલ તો મનુષ્યના અંતની સાથેજ આવશે. રાજકારણીઓ અને ધર્મગુરુઓ સાચાં છે કે ખોટા એ ખુદ નથી જાણતા હોતા છતાં લોકો એમને અનુસરે, એમના નામ પર લડે, હેવાનિયત પર ઉતરી આવે. અરે ! જરા થોભો, ઊંડો શ્વાસ લઇ એક ક્ષણ વિચાર તો કરો, શું કરી રહ્યાં છો, કેમ કરી રહ્યાં છો? કોના માટે કરી રહ્યાં છો? પોતાના, પરિવાર કે સમાજ માટે ઉચિત કરી રહ્યાં છો? આવનારી પેઢી માટે કેવી દુનિયા રચી રહ્યાં છો?
અંત: કરણથી કરેલા નિર્ણયોમાં બહુમતી નથી જોવાતી, એકલપંડે સાચો અને અઘરો માર્ગ ખેડતા માણસનો સાથ આપી શકાય છે, પોતે એ માર્ગ ખેડી પણ શકાય છે. એવો કયો અભાગો મનુષ્ય હશે જેને ખરેખર નહિ સમજાતું હોય કે એ ખોટા માર્ગે જઈ રહ્યો છે? હાં, ભૂલ થાય પણ એનો સ્વીકાર કરી સાચો માર્ગ કેમ ન પકડી શકાય? આપણે સ્વાર્થી વિચારોને વિવશ ન થઇ નિષ્પક્ષ રહી કર્મો આચરવા માટે સમર્થ ન બની શકીયે ? આજના યુગમાં સાચું બોલવું, શિષ્ટાચાર આચરવો, સંવેદના દર્શાવવી, સમર્પણ કરવું અને સમાધાન માટે પ્રયત્નો કરવા એ અગ્નિ પરીક્ષા આપવા સમાન છે. પરંતુ અગ્નિમાં શેકાનાર નેજ શુદ્ધિ અને ચમકનું વરદાન મળે છે, છેવટે એજ કિંમતી બને છે અને એનીજ કિંમત થાય છે. કુદરત આવા પરાક્રમીને ભવ્ય ઇનામોથી બિરદાવ્યા વિના રહેતી નથી.

આપણે જયારે મુસાફરી કરીએ ત્યારે મંજિલ પર પહોંચવા માટે GPS નો ઉપયોગ કરીએ છીએ. GPS આપણને ઘણાં રસ્તાઓના વિકલ્પ આપે છે. શોર્ટ-કટ કે લાંબો,ભારે ટ્રાફિક વાળો કે પછી એવો રસ્તો જે ઓછા લોકો પસંદ કરતા હોય. બધાંજ માર્ગ વહેલાં-મોડાં મંજિલ પર જરૂર પહોંચાડે છે. દરેક રસ્તાના પોતાના ગુણદોષ પણ હોય છે. એટલેજ આપણે ખાતરી કર્યાં પછીજ રસ્તો પસંદ કરીયે છીએ અને મુસાફરીનો આરંભ કરીએ છીએ. જિંદગીના પ્રવાસમાં આપણું કોઈ ટ્રસ્ટેડ GPS હોય તો એ આપણું ‘કોનસાઈન્સ’ છે. જિંદગીની પઝલ એ મેઝ પઝલ જેટલી સરળ નથી. મેઝ પઝલમાં આપણે સ્પષ્ટપણે જાણતાં હોઈએ છીએ કે એકજ સાચો રસ્તો છે અને એજ શોધવાનો છે. જયારે જીવનમાં ક્યારેય દેખીતી રીતે એ સમજાવવામાં નથી આવતું કે યથાર્થપણે શું સાચું કે ખોટું છે. આપણે અંતરના ઊંડાણમાં જઈને સમજણને સપાટી પર લાવી એને અનુલક્ષીને નિર્ણયો કરી બહુ બધા માર્ગો માંથી સાચો માર્ગ શોધવો પડે છે. ઉફ! ખરેખર આ જીવનની પઝલ અઘરી છે, દોસ્ત! અંતઃકરણ એ આપણાં દિમાગનો અવાજ છે અને હૃદયની લાગણી છે, જે આપણને જણાવે છે કે શું યોગ્ય છે કે અયોગ્ય, કોઈ જોતું હોય કે ન જોતું હોય એ હંમેશા સત્ય જ કહે છે.

ગર્ભથી લઈને મરણશૈયા સુધીના આપણાં જીવનકાળ દરમિયાન સારા-નરસા, કાળા-ધોળા, નૈતિક-અનૈતિક જેવા તમામ ગુણધર્મો ધરાવતા કર્મોની વિશાળ સૂચિ જીવન આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે જેમાંથી આપણે વરણી કરવાની છે કે કઈ બાજુ ઢળીયે. દરેક વ્યક્તિ પાપ અથવા તો દુષ્કર્મ કરવા માટે લલચાય છે કારણ કે એનાથી ઇન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન (ત્વરિત આનંદ) ગેરંટીડ હોય છે.પરંતુ દરેક પાસે પોતાની ભૂલો સુધારવાનો અને સાચાં માર્ગે વળવાનો એક મોકો પણ હોય છે. પસંદગી આપણી છે! એક અંગ્રેજી મુવી છે ડેવિલ્સ એડવોકેટ. એમાં ડેવિલના આ શબ્દો છે, “માયા અને મિથ્યાભિમાન ચોક્કસપણે મારું પ્રિય પાપ છે”. હું લોકોને એના તરફ આકર્ષવા મારા બનતા પ્રયાસ કરીશ.

કોઈપણ પરિસ્થિતિ, મૂંઝવણ કે દુવિધામાં જો માનવી નિરાંતે નિશ્ચલ થઇ શુદ્ધ મનથી નિર્ધાર કરે તો કોઈજ સંદેહ કે દ્વિધા વગર સચ્ચાઈના માર્ગ પર ચાલી શકે છે. પરંતુ એણે શાંત ચિત્તે વિચારવાં, સત્યને સ્વીકારવાં માટે કોઈજ સમય ફાળવવો નથી હોતો. જયારે સમય, સંજોગો અને કર્મોની થપાટ વાગે છે ત્યારે એ પરમાત્માને લલકારે છે, જવાબ માંગે છે. અફસોસ! ત્યારે એને કોઈજ જવાબ નથી મળતો. એ અવસર અને
પળ એ ચુકી ગયો હોય છે જયારે અંતરે સાદ આપ્યો હતો, સાચો માર્ગ ચીંધવા માટે પોકાર્યો હતો…!

Conscience is a Man’s Compass – Vincent Van Gogh

‘શબ્દો સંચાર પણ કરે છે અને સંહાર પણ, વિચારો વિકાસ પણ કરે છે અને વિનાશ પણ, કર્મો નિર્વાણ પણ અપાવે છે અને દંડ પણ’ આપણાં કર્મો આપણાં વિચારોથી પ્રભાવિત હોય છે, એને સાચો માર્ગ બતાવવો કેટલો જરૂરી છે એ આપણે નક્કી કરવું રહ્યું.
એ માર્ગ આપણે કોઈને પૂછવાનો નથી કે કોઈનો માર્ગ અનુસરવાનો નથી. આપણો માર્ગ આપણે ‘અંતઃકરણ’ થીજ નક્કી કરવાનો છે.

‘પૃથ્વીલોક’ ‘સંસારલોક’ ‘મૃત્યુલોક’

‘પૃથ્વીલોક’ ‘સંસારલોક’ ‘મૃત્યુલોક’

‘આ સંસાર અસાર છે’ મારા બાપુ(દાદા) આવી માળા ગણતાં. ત્યારે મને સમજાતું નહતું કેમ આવાં સુંદર સંસારને અસાર કહેવાય છે. મોટી થતી ગયી તેમ સમજાતું ગયું કે આ સંસારમાં રહેલું બધું મિથ્યા જ તો છે વળી. શરીર અને શ્વાસ બધુંજ તો ઊછીનું છે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને વેદના ના ચક્રવ્યૂહમાં બધાંજ સપડાયેલા છીએ છતાં મોહ અને માયાથી અનાસક્ત નથી રહી શકતા. પોતાનો ફાયદો જોવામાં દરેક વ્યક્તિ વ્યસ્ત છે. દેશનું રાજકારણ હોય કે પછી કોઈ સંસ્થા, કોર્પેરેશન કે ઘર, નજર બધાંની પૈસા, ખુરશી અને પાવર પર જ ટંકાયેલી હોય છે. અલ્પકાલિન હોવા છતાં બધા જીવનને ચિરસ્થાયી માની નેજ ચાલે છે. જાણતાં હોવા છતાં એ માનવાં કોઈ તૈયાર નથી કે જીવનના બેજ છેડા છે- જન્મ અને મૃત્યુ. અંતે બધાએ જવાનું છે મૃત્યુના શરણે જ. અને એટલેજ આ સંસારલોક ને ‘મૃત્યુલોક’ કહેવાય છે. મૃત્યુની વાત કરવામાં બધાને ખચકાટ થાય છે, ભય લાગે છે. મૃત્યુ કરતા એનો ડર વ્યાપક હોય છે. એટલેજ આટલી ઇન્શ્યોરન્સ કંપનીઓ કમાય છે અને ધોમ ચાલે છે -ડર વેચીને. જીવવામાં જેટલું જોમ નથી હોતું એનાથી વધુ મરવાના ડર હેઠળ દબાયેલા હોઈએ છીએ આપણે. જીવનના કોઈપણ નાના-મોટા ગોલ એચિવ કરી મંજિલ પર પહોંચીએ ત્યારે આપણે એની ઉજવણી, સેલિબ્રેશન કરીએ છીએ. પરંતુ જયારે જીવનનો અંતિમ ગોલ પૂરો થવાની અણીએ હોય અને ડેસ્ટિનેશન આવવાનું હોય ત્યારે કેમ ભય લાગે છે? આવકાર તો નથી આપી શક્તાં ઉલ્ટા એનાથી દૂર ભાગીયે છીએ, અને એટલેજ એનો સતત ભય સતાવે છે. મૃત્યુ એ એક ઘોર અંધકાર સમું, ઊંડી ખીણ જેવું લાગે છે. એની નજીક આપણે દરેક પળ જઈ રહીયા છીએ પણ જવું નથી. એટલે મૃત્યુ પછી કમેમરેટ સેરેમની થાય પણ માણસની હયાતીમાં એનું સેલિબ્રેશન ન થાય. મૃત્યુનું તો કાંઈ સેલિબ્રેશન હોય?

કોલેજમાં હતી ત્યારે વઢવાણ ગામનાં એક દાદીએ સંથારો કર્યો હતો. એમના દર્શન કરવા અમે બધા મિત્રો ગયા હતા. હું જૈન એટલે બધા સ્વાભાવિક પ્રશ્નો પૂછતાં કે સંથારો એટલે શું? કેમ કરે સંથારો? મારી થોડીઘણી જાણકારી અનુસાર જયારે આપણે બધીજ મોહ-માયા છોડવાને સમર્થ થઈએ, ખાવા-પીવાનું પણ છોડી દેવા મક્કમ હોઈએ અને બસ ઈશ્વરના શરણે જવા રાજીખુશી તૈયાર હોઈએ ત્યારે આવી ભાવના જાગે છે. ત્યારે આપણે મૃત્યુને આવકારીએ છીએ. જીવનની અંતિમ કસોટીમાં પાર ઉતારવા માટે ત્યાગ,જપઃ,અને તપ કરીએ છીએ. મારા બા ની ભાષામાં કહું તો ‘સારા કર્મોનો ઉદય થાય ત્યારે આવી ભાવના જાગે’. આ દાદી ત્યાગ અને તપસ્યાના એ પઢાવ પર પહોંચી ગયા હતા, પણ હજી કસોટી તો બાકીજ હતી. લગબાગ ૬૮ વર્ષ એમની ઉંમર હશે અને ૩૪ દિવસ થયા હતા અન્ન-પાણી વગર, છતાં ચેહરા પર તેજ છલકતું હતું. બધાં મહાસતીજી એમની સેવામાં, મહિલાઓ આખો દિવસ સ્તવન કરાવે અને ઘરમાં એવું દિવ્ય વાતાવરણ કે ત્યાંથી જવાનું મન ન થાય. લોકો લાંબી કતારમાં ઉભા રહીને એમના દર્શન કરવા આવતા. થોડા સમય પછી મને પાછું જાણવાની ઈચ્છા થઇ કે દાદી કેમ હશે? ૬૧ દિવસ થયા હતા છતાં એ દાદીની પરીક્ષા હજી ચાલુજ હતી. હું પાછી દર્શન કરવા ગઈ હતી, એવુંજ દિવ્ય વાતાવરણ પણ હવે દાદી ઊભાં નહતા થઇ શકતા, લાગી રહ્યું હતું કે હવે એમની કસોટી પુરી થશે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હવે એમની કસોટી પુરી કરો. અને જયારે થોડા દિવસ પછી એ કાળધર્મ પામ્યાં ત્યારે એક ઉત્સવનો માહોલ સર્જાયો. દાદીની જયજયકાર,કંકુ/વાસ્કેપનો છંટકાવ, જમણવાર અને લ્હાણીઓ. ‘દાદી દેવલોક પામ્યાં’ એવું મનાય છે કે સંથારો કરી દેવલોકને પામીયે. ન કોઈ શોક કે ન કોઈ રોકકકળ, ત્યારે મને સમજાયું કે મૃત્યુનો માત્ર ખોફ ન હોય મહોત્સવ પણ હોય.

આ કરવું સહેલું નથી હું જાણું છું, આપણા જેવા સામાન્ય માણસ માટે લગભગ અશક્ય જેવુંજ છે. પણ મૃત્યુનો ડર કે ખોફ રાખવો એ પણ બિનજરૂરી જ છે. જીવવાં માટે બધાજ પ્રયાસ કરવાનાં, બને એટલું હકારાત્મકતા અને ઝિંદાદિલીથી જીવવું પણ એક દિવસ મોતના શરણે જવાનું છે એ ધ્યાનમાં જરૂર રાખવું જોઈએ. આપણે થીઅરી ઓફ રિલેટીવિટી ન સમજતા હોઈએ તો કોઈ વાંધો નહિ પણ જો એટલું સમજીયે કે મૃત્યુ છે તો જીવનનું મહત્વ છે તો પણ ઘણું. પહાડો સામે બધાને જોવું ગમે, એને ચઢવામાં એડવેન્ચર લાગે, પણ ખીણ વગર પહાડ કેમ ઉદ્ભવે? અંધકાર વગર અજવાળાનો સો મહિમા, દુઃખ વગર સુખ સમજાય?

આ જીવન એક દેન છે, ભેટ છે. કોઈએ આપેલું છે અને એ પણ એક્સપાયરી ડેટ સાથે. વળી,૭૦ વર્ષ પછીનો તો દરેક દિવસ બોનસ જ છે. ભારતનો ‘લાઈફ એક્સપેક્ટનસિ રેટ ૭૦’ છે. છતાં પણ કોઈપણ ૭૦ ઉપરનાં વૃદ્ધ વ્યક્તિનું નિધન થાય તો લોકો દુઃખદ અવસાન કરી લાંબી લાંબી પોસ્ટ મૂકે. આજકાલ FB એક અવસાન નોંધ અને યુલોજી નું માધ્યમ બની રહ્યું છે. ૭૦ વર્ષથી ઉપર ની કોઈપણ વ્યક્તિ જાય તો તમારી ખોટ અનુભવાશે, અમને એકલા છોડતાં ગયા, અમારા ઉપરથી હાથ ઊઠી ગયા, આવું ગમગીન વાતાવરણ શું કામ? કોઈ સાહિત્યકારની કૃતિઓ વાંચશે નહિ પણ એમના માટે લાંબી લચક પોસ્ટ લખશે, અરે! ખોટ નથી કરતા ગયાં ઘણું મૂકતા ગયા છે, વાંચવું હોય તો! જે મોટી ઉંમરની વ્યક્તિ રિબાઈ નથી, કોઈની સેવાચાકરી કરાવી નથી, પરવશ નથી થઇ, અને સૌંયો ભોંકાવ્યા વગર હરિશરણ પામી છે એમના માટે આપણે સંતોષ કેમ ન અનુભવીએ? કેમ એમ ન કહી શકીયે કે સારું જીવન જીવ્યાં,અમને ઘણું શીખવતાઁ ગયાં, આજે એ અહીં નથી રહ્યાં પણ એમનો આશીર્વાદ હંમેશા રહેશે. અવસાન દુઃખદ જ કેમ? એ પણ વરિષ્ઠ વ્યક્તિનું? એનું કારણ છે કે આપણને દયામણા, બિચારા, લાંબી બીમારીથી પીડાઈ મરતાં લોકો જોવાની આદત છે. માત્ર હાડકા ઉપર ચામડી ચોંટાડી હોય એમ જીવતા લોકો માટે એમના છૂટવાની પ્રાર્થના કરવાની આપણને આદત છે. મારા બા અને નાનીના છેલ્લા વર્ષો મેં એવા જોયા છે કે પ્રાર્થના કરતા પણ રડી પડીયે કે, હૈ ભગવાન, હવે આમને લઇ લ્યો! એમની સરખામણીમાં તો મને આ કોરોનામાં જતા વૃદ્ધ વ્યક્તિઓનું મૃત્યુ સંતોષકારક લાગે છે. હા, દુઃખ તો થવાનુંજ છે,એ સ્વાભાવિક છે. પણ અંદરખાને આપણે પણ જાણીયે છીએ કે ઉંમરલાયક થવું અને ઉંમરની બીમારીઓ સહન કરવી સહેલી નથી.આ કોરોનાને ગમે તેટલી ગાળો આપીયે પણ એ રિબાવતો નથી, જલ્દી ફેંસલો આપે છે. એનો અર્થ એ નથી કે ૭૦ ઉપરના એ જીવવાની આશ છોડી દેવી જોઈએ. અરે, પૂરતી લડત કરવાની જીવવાં માટે. બનતા બધાંજ ઉપાયો અને પ્રયાસો પણ કરવાનાં. પણ છેલ્લે ઘરવાળાઓ ને સમજાવતાં જવાનું કે લોકો ને સાહસ આપે, આમ દુઃખદ અવસાન કરીને ડરાવે નહિ. કેટલા નાની ઉંમરના લોકો માત્ર આંકડા જોઈને ,ડરીને,હિંમત હારી જાય છે. યુવાનો, બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ ને આજે સારવાર કરતા ધૈર્ય અને નિર્ભયતાની વધારે જરૂર છે. મૃત્યુથી ભાગવાનું નથી, ડરવાનું પણ નથી, બસ પુરા જોશથી એની સામે અડીખમ ઊભાં રહેવાનું છે, આવકાર નથી કરવાનો પણ એનો અસ્વીકાર પણ નથીજ કરવાનો. એક વાર વ્યક્તિ ચાલી ગયી પછી એની પાછળ દુઃખમાં બધી એનર્જી કાઢવા કરતાં એમના માટે મેડિટેશન કેમ ન કરીયે? ધ્યાન ધરીયે,શાંતિ સ્થાપીએ અને અવસાનને દુઃખદ નહિ પણ સંતોષકારક બનાવીયે. RIP અને લાંબા દુઃખડા ગાવાં કરતાં ખરેખર એમના માટે પીસફુલ વાતાવરણ સર્જીએ. એ ત્યારેજ થાય જયારે આપણે શોક ન કરતાં શાંતિપ્રિય થઇ એમને પ્રેમથી યાદ કરીએ. બીજાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બનીયે.

નાના ઉંમરના યુવાનો અને બાળકોના મૃત્યુની ઘટના રુંવાડા ઊભાં કરી દે છે, માત્ર કોરોનાથી નહિ અનેક રીતે લોકો જિંદગી ગુમાવે જ છે. રેલવે અકસિડેન્ટ, રોડ અકસ્માત, પ્લેન ક્રેશ, જેવી ઓચિંતી બનતી ઘટનાઓ તો ક્યારેક આપઘાત, લાંબી બીમારીઓ અને કુદરતી આફતો. આ મૃત્યુલોકમાં બધું થવાનુંજ છે. આપણે એને ઘટાડી જરૂર શકીયે મિટાવી ન શકીયે. કોઈ ને કોઈ નિમિત્ત તો બનવાનુંજ છે. જિંદગી અને આપણું અસ્તિત્વ એક સત્ય છે એમ મૃત્યુ પણ એક સત્ય જ છે. જયારે આ સત્યને સ્વિકારીશુ ત્યારે દરેક નજીવી બાબતને લઇને દુઃખી નહિ થઈએ. જીવનને સંપૂર્ણતાથી જોઈ શકીશુ અને સત-ચિત્ત-આનંદ થી આ જિંદગીને વ્યતીત કરીશુ.
મોત ને હરાવવાંની નથી એમાંથી આપણે છૂટી નીકળવાનું છે, મોત શાશ્વત છે એને હરાવી ન શકાય, અંતરથી જાગૃત થઈએ ત્યારે સ્વીકારી શકાય. એને સ્વીકારવાની પણ એક ઉંમર,સમજણ, જ્ઞાન,ભાવના અને મનોવૃત્તિ હોય છે. જિંદગી જીવવાની સાથે આ ભાવનાને કેળવવી પણ એટલીજ જરૂરી છે એવું હવે મને સમજાય છે.
દરેક દિવસનો ઉત્તમોત્તમ ઉપયોગ કરી, પોતાના આંતરિક વિકાસ માટે અને બીજા માટે બને એટલું કરી છૂટવા માટે આ જીવન છે.

રિલેટીવિટી થીઅરી પ્રમાણે આપણે બધાં એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ છીએ. આપણે જેવા વાયબ્રેશન બ્રહ્માંડમાં છોડીયે છીએ એવુંજ વિશ્વ આપણી આસપાસ રચાય છે. આપણે એક પેઢીને ઉછેરવાની છે અને નવી પેઢીને આવકારવાની છે. આપણે બધાં સાથે મળીને કેમ સારી એનર્જી, વાયબ્રેશન અને એક પોઝિટિવ ઔરા સર્જી ન શકીયે? કુદરત એની કરામત કરશેજ અને સદીઓથી કરતીજ આવી છે. આપણે આપણી સહનશક્તિ અને સર્જનાત્મકતા વડે એની સાથે વહેવાનું છે, એનાથી વિરુદ્ધ નહિ. ડર થી નહિ, નીડર બનીને! 🙏🙏👍

Real purpose of our Body – દેહાભિમાન કે દેહસમ્માન

“દેહાભિમાન”
સ્કૂલ માં હતા ત્યારે શીખવવામાં આવતું ‘body is your temple ‘. શરીર ને સ્વચ્છ, શુદ્ધ અને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરો પણ કેમ શરીર ને મંદિર જેવું દિવ્ય માનવામાં આવે છે એ સમજાવામાં આવ્યું નહતું. આપણી સંસ્કૃતિ ઘડનાર વડવાઓ ઘણા વિચારશીલ હશે એટલે ઘણીબધી જીવનલક્ષી બાબતો પર સિદ્ધાંતો, પરંપરાઓ અને સંસ્કારો ની માહિતી અને જ્ઞાન આપી ગયા છે. એ આપણું કમનસીબ છે કે સાચું અને યોગ્ય જ્ઞાન આપણા સુધી પહોંચાડનાર ની આ યુગ માં ખોટ છે. એટલેજ આજે બધા પાસે માહિતી છે પણ સાચું જ્ઞાન નથી. અધૂરા ઘડા ની જેમ બધા ઇન્ફોરમેશન થી છલકાય છે પરંતુ બે ઊંડા પ્રશ્નો પુછિયે ત્યારે ઉપલબ્ધ માહિતી નો અંત આવી જાય છે. મારા માર્યાદિત જ્ઞાન અનુસાર શરીર એક માધ્યમ છે આત્મા ને મુક્ત કરવા માટે નું, આત્મા નું ઘર શરીર છે.એ પછી કોઈ મનુષ્ય નું હોય કે અન્ય જીવ નું, શરીર એ આત્મા નો આધાર છે. આ આધારરૂપી શરીર નો મહત્તમ ઉપયોગ ત્યારેજ થઇ શકે જયારે એ સ્વસ્થ અને તંદુરસ્ત હોય. એટલેજ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રેહવું અત્યંત જરૂરી છે. આટલા સરસ ઉદ્દેશ ને ભૂલી ને આજકાલ શરીર ને માત્ર ખૂબસુરતી અને ફિટનેસ સાથે ચોંટાડી દીધું છે. બ્યૂટી પ્રોડક્ટ્સ, ફેશન, ફિટનેસ અને ડાયટિંગ ના નામે એટલા ધંધા વિકસાવી દીધા છે કે શરીર નો પ્રાથમિક ઉપયોગ જ ભૂલાય ગયો છે. શારીરિક સુખ માટે શરીર નો વ્યાપાર કરી માણસ ધરાયો નહિ એટલે હવે એના નામ પર બીજા અઢળક ધંધાઓ ચાલુ કરી દીધા છે. શારીરિક જરૂરિયાત ચોક્કસ પુરી શકાય પરંતુ એને લગતી અનંત ઈચ્છઓ ક્યારેય પૂર્ણ ન થઇ શકે. શરીર માં આસક્ત મનુષ્ય માટે પરમ અવિનાશી પરંબ્રહ્મ ને પામવું અતિ કઠિન છે.

નાના હોઈએ ત્યારે આપણા શરીર ના દેખાવ સાથે આપણને બહુ નિસ્બત નથી હોતું, હા જિજ્ઞાસા કે કુતુહલ જરૂર હોય છે. બાળકો પ્રકૃતિની અજાયબીઓ નું અન્વેષણ કરવામાં એટલા વ્યસ્ત હોઈ છે કે ભાગ્યેજ પોતાના દેખાવ માં રસ લેતા હોય છે. એમને મન કુદરતી રીતે જ બધું નયનરમ્ય હોય છે. કોઈ છોકરો એની મમ્મી ને ‘મેં કયું કાલા’ એવું પૂછતો હશે? આઈ રીઅલી ડાઉટ! બાળકો સ્વયં સાથે સંતુષ્ટ જ હોય છે પણ આપણે એ સમજી નથી શકતા એટલે બાળકો ને સુંદર બનાવવામાં આપણને ખાસ રસ હોય છે. છોકરીઓ ને બાર્બી ડોલ અને છોકરાઓને હીરો જેવા દેખાડવાના પ્રયાસો કરતા રહીયે છીએ. એટલેજ જેમ જેમ મોટા થતા જઈએ તેમ આપણે આપણા શરીર પ્રત્યે સજાગ થતા જઈએ છીએ. છોકરીઓ ના વર્ણ, કાયા અને દેખાવ ને લઇ ઘણાં આન્ટીઓ લગ્ન માટે સારો છોકરો નહિ મળે એના માટે ચિંતિત હોય છે. એટલેજ છોકરીઓ ત્વચાની સુરક્ષા માટે દુપટ્ટા ફેસ પર લપેટીને ફરે, તડકો ટાળે અને ઘણો સમય એની સંભાળ માં કાઢે. મેં ભાગ્યેજ છોકરાઓને સ્કિન માટે કેર કરતા જોયા છે. એ વાત મને ખરેખર તુચ્છ અને મામૂલી લાગે છે. માત્ર દેખાવ તમારા અસ્તિત્વ, સ્વભાવ, બુદ્ધિ, સમજ અને મન ઉપર કેવી રીતે આધિપત્ય રાખી શકે? બાળપણ થી લઈને કોલેજ પુરી કરી ત્યાં સુધી, કોઈ સનસ્ક્રીન કે ફેરનેસ સોપ વગર મસ્તી થી ખુલા આસમાન ના ઝળહળતા સૂર્ય નીચે સ્પોર્ટ્સ રમવાનો લ્હાવો મેં લીધો છે. સુરજ ના કિરણો થી ત્વચાને હાનિ થાય એ તો બહુ મોડી હાનિ પહોંચી ગયા પછીજ ખબર પડી. ખૂબ જ ખીલ થવાથી ત્વચા બગડી એની થોડી પીડા હતી પરંતુ મુક્તમને તડકામાં રમવાનો આનંદ મને આજે પણ યાદ છે. મારી મમ્મી એ મને એવી ફ્રીડમ અને આત્મવિશ્વાસ આપ્યો જે દરેક વ્યક્તિ પાસે હોવો જોઈએ, શરીર અને દેખાવ થી પર થઈને તમારા સ્પિરિટેડ નેચર ને સેલિબ્રટ કરવાનો. હું તો ઇચ્છુ કે આજની છોકરીઓ ની બર્થ ડે થીમ બાર્બી અને પ્રિન્સેસની જ નહિ પણ ક્રિકેટ, ટેનિસ,સ્પોર્ટ્સ કે પોલિટિકલ આઇકોન્સ ની પણ હોય.આંગળી ના ટેરવે ગણાતા વુમન સ્પોર્ટ્સ લિસ્ટ માં આવનાર પેઢી મોટો વધારો કરે એવી તાલીમ પણ એમને મળવી જોઈએ. ડાન્સ, સિંગિંગ, ફિલ્મો, બ્યૂટી પેજન્ટ ની જાહેરાતો ના પૂર છે પણ વુમન ને લગતા બીજા કેરિયર વિકલ્પો ને પણ સપાટી પર લાવવા જોઈએ.
(મીથાલી રાજ ઉપર મૂવી બની રહી છે એની મને ઘણી ખુશી છે)

આજના યુગ માં સૌંદર્ય એક વ્યવસાય અને શરીર એનું સાધન બની રહ્યું છે. ફિટનેસ ઇસ ફોર વેલબિંગ નોટ ફોર લૂક્સ અલોન. યોગ અને કસરત થી શરીર સુમેળ અને તંદુરસ્ત રાખવું જરૂરી જ નહિ અનિવાર્ય છે કારણ કે શરીર પાસે આપણે ઘણું કામ લેવાનું છે, અંતે મુક્તિ નું પણ. મેન્ટલી એન્ડ ફિઝિકલી ફિટ રહેવાથી માણસ આપોઆપ સુંદર બની જાય છે. ફિટ રહેવાનો મતલબ સ્ટારવિંગ(ભૂખ્યા રેહવું) નથી. શરીર ને ખાવા સાથે કોઈ તકલીફ નથી, વધુ પડતું ખાવા સાથે ચોક્કસ છે. કહેવાય છે ને ગરીબ લોકો ભૂખ થી મરે છે અને અમીર લોકો મન ને મારી ભૂખ્યા રહે છે. બદલાતી ઋતુ પ્રમાણે ત્વચા ની સાર-સંભાળ લેવી પણ એટલીજ જરૂરી છે. સૌંદર્ય ને જોવું, નિહારવું અને માણવું સહુને ગમે, એ ગમવા જેવુંજ છે પણ વ્યક્તિ માં ખાસ કરી સ્ત્રી માં માત્ર સૌંદર્ય જ જોવું એ એનું અપમાન છે. જેમ કુદરતી સુંદરતા ને આપણે સહજ રીતે સ્વીકારીએ છીએ તેમજ માનવીય સૌંદર્ય ને પણ જે રંગ રૂપ માં હોય તેમ કેમ સ્વીકારી નથી શકતા? એનું કારણ અમુક બુદ્ધિગમ્ય ઉદ્યોગપતિઓ એ આપેલી સુંદરતા ની વ્યાખ્યાઓ છે. ગોરી અને પાતળી એટલે સુંદર, મસલ અને ઊંચો હોય તો હૅન્ડસમ વગેરે વગેરે…આપણે આપણા લૂક સાથે એટલા બધા સભાન અને આઇડેન્ટીફાઇડ થઇ ગયા છીએ કે FB અને Insta ઉપર ફિલ્ટર વગર ફોટો પણ નથી મૂકી શકતા. હું કોલેજ માં જેટલી બિન્દાસ હતી એટલી પાછી ક્યારેય થઇ શકીશ? લૂક્સ નું મહત્વ બધીજ સીમાઓ વટાવી ચૂક્યું છે. એની અસર યન્ગ જનરેશન ઉપર સૌથી વધારે થઇ છે. ટીનએજર્સ અને યન્ગસ્ટર્સ આજકાલ કૅરિયર કરતા લૂક્સ માટે વધારે ચિંતિત અને સભાન છે. લૂક્સ પાછળ પૈસા વેડફતા તેઓ અચકાતા નથી. આપણે અને આપણી આવનાર પેઢીએ આ બાબત પર સજાગ થવું અત્યંત જરૂરી છે. આપણે આ સુંદરતાના વ્યવસાયનો શિકાર ન બનીયે એનું ધ્યાન રાખવુંજ રહ્યું કારણ કે શરીર સાથે એકરૂપતા એ દેહાભિમાન છે.

મારા નાનાજી(સાસુ ના પપ્પા-સ્વ જીતેન્દ્ર વૈષ્ણવ) ૮૭ વર્ષે જયારે અવસાન પામ્યા ત્યારે પણ એક બોધપાઠ આપતા ગયા. વડીલો એમના અનુભવો ઉપરાંત, પરિતૃપ્ત સ્વભાવ, દૂરદર્શિતા અને જીવનશૈલી પરથી પણ ઘણું શીખવી જાય છે. નાનાજી એ એમની ચાલીસી માંજ દેહદાન માટેનો નિર્ણય લઇ લીધો હતો.જ્યાં આપણે ઘરડા દેખાવા નથી માંગતા અને યન્ગ રહેવાના પ્રયાસો માં વ્યસ્ત છીએ ત્યાં એમણે દેહ નો મોહ જ છોડી દીધો! જીવતાંજીવ શરીર કોઈને સોંપી દેવું સહેલું નથી, વિચારી જોવો. મૃત્યુ પછી અસ્થિ ને ગંગા માં ડુબાડી પ્રદુષિત કરવા કરતા મેડિકલ સાયન્સ ને ડોનેટ કરવું શું ખોટું? શરીર અંતે રાખ જ છે. એક વાર જીવ જાય પછી એ કશે કામ આવી શકે એનાથી ઉત્તમ શું હોય?
શરીર જયારે માધ્યમ માંથી મોહ બની જાય અને સુંદરતા ઘેલછા બની વળગી જાય ત્યારે આપણે આપણું મુક્તિ નું સાધન ગુમાવી બેસીયે છીએ. આપણા આ શરીર નો મોહ જ આ મૃત્યુલોક ના ફેરા નું કારણ બની રહે છે. બસ, એટલું સમજીયે કે શરીર અને એનું દરેક અંગ માટીજ છે ત્યારે કદાચ આપણે એનો મોહ થોડો ઓછો કરી શકીશુ.

भगवद् गीता अध्याय 3
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः।।3.42।।

शरीर से परे श्रेष्ठ इन्द्रियाँ कही जाती हैं इन्द्रियों से परे मन है और मन से परे बुद्धि है और जो बुद्धि से भी परे है वह है आत्मा।।

જે શરૂ થયું છે એ જરૂર સમાપ્ત થશે

મેં આજ સુધી જે પણ કાંઈ લખ્યું છે અથવા તો કહીશ કે લખવાનો પ્રયાસ કર્યો છે એમાં આજ ની આ રચના મારા આત્મા ની સૌથી નજીક છે એવું મેં અનુભવ્યું.

રાત નો લગભગ એક વાગ્યો હશે. રૂમ માં ઘોર અંધારું અને નીરવ શાંતિ હતી પણ મારું મગજ અસંખ્ય વિચારો માં હતું અને એ વિચારો નો ખુબજ અવાજ હતો. ઊંઘ ન આવવાથી હું ઉઠી, પાણી પીધું , વોશરૂમ માં ગઈ અને પાછી આવી બેડ પર પડી. મારા મન માં ત્યારે એક પ્રશ્ન થયો કે જ્યારે મૃત્યું નો સમય આવે ત્યારે શું અનુભવાતું હશે? શું વિતાવેલા જીવન ની બધીજ સ્મૃતિઓ નજર સમક્ષ કોઈ movie ની જેમ દેખાતી હશે? કોઈ નું કરેલું અપમાન, કોઈ ને આપેલી ગાળો, કોઈ ની સાથે કરેલું કપટ, કોઈ નો ઉઠાવેલો ખોટો ફાયદો, કોઈ ને કરેલો ભરપૂર પ્રેમ, ને કોઈ ને આપેલો અત્યંત વ્હાલ. આ બધાજ દ્રશ્યો આંખો સામે આવતા હશે. ત્યારે માફી આપી દેવાની અને માફી માંગી લેવાની તૈયારી પણ હશે, ત્યારે પ્રેમ અને વ્હાલ આપવાની ઈચ્છા પણ થશે, ત્યારે કદાચ એમ પણ થશે કે ખોટી ચિંતાઓ અને ડર માં સમય વ્યર્થ ન કરતા નિખાલસતા અને ઉદારતા થી જીવી હોત તો…પણ એ અંત સમયે કશુંજ શક્ય નહીં હોય. આપણું સ્વજન કદાચ આપણી સામે જ હશે પરંતુ આપણી મનોસ્થિતિ આપણે કહી નહીં શકીયે. મન, મગજ અને શરીર માં continuous ચાલી રહેલા યુદ્ધ નો હવે સમાપ્ત થવાનો સમય હશે. અને એ સમય કોઈ પણ ઉંમર કેમ ન હોય, અણધાર્યો જ લાગશે કારણ કે યમરાજ death નો day and time નથી આપતા એ તો સીધા પ્રગટ જ થાય છે. અને પછી બધુજ શાંત અને શૂન્ય થઈ જશે.

જીવન અને મૃત્યુ વચ્ચે નો જે સમય છે તે temporary છે. And in this temporary life we want everything to be permanent. આપણે જીવન ને લાબું માનયે છીએ પરંતુ બ્રહ્માંડ માં ચાલી રહેલી અસંખ્ય ક્રિયાઓ ની સાપેક્ષ માં આપણું જીવન ખૂબ જ સૂક્ષ્મ અને ટૂંકું છે. And the time we spent on this earth is relatively very short. In this short life, long term plans will not only fail but will ruin our present as well. આ જીવન નો અર્થ એટલેજ છે કારણ કે મૃત્યું નિશ્ચિત છે. અને આ જીવન નો રોમાંચ પણ એટલેજ છે કારણ કે એ unpredictable છે. આપણાં જીવન દરમ્યાન આપણે શું કમાયા, શું પહેર્યું, શું ખરીદ્યું, અને શું ખાધું એનું કોઈજ dividend આવતા જન્મ માં મળવાનું નથી પણ હા કેવું બોલ્યા, કેટલું નમ્યા, કોને મદદે આવ્યા, ક્યાં નિસ્વાર્થ બની સેવા કરી, અને કેટલી સંવેદના દર્શાવી આ બધાજ કર્મો ના મીઠા ફળ એટલે કે interest જરૂર થી મળશે. એના દરબાર માં દુન્યવી તત્વો નો નહીં પણ લાગણીઓ, સમર્પણ, અને નિષ્ઠા નો હિસાબ થશે.આ સમજણ આપણને જેટલી જલ્દી આવે એટલું સારું છે અને જો સમજણ આવે અને એને અનુરૂપ જીવીએ તો વધારે સારું છે. જીવન માં કશુંજ સરળ નથી પરંતુ કશું અશક્ય પણ નથી. So i will try to understand and also implement these virtues and values in my life.
આવા વિચારો થી હું સુઈ ના શકી અને મેં આ રચના ત્યારે લખી અને લખ્યા પછી ભગવાન નો આભાર માન્યો અને એક request કરીને સૂતી, હે પ્રભુ!કાલ નો સુરજ જરૂર થી દેખાડજે અને તું જોજે હું રોજે જ તારો આભાર માનીશ.🙏

Independent Existence

In the moonlight, I asked the Sky

You are enormous in size

But moon steals the Limelight…

You are throughout the day, but,

 It’s the Sun who is worshiped for its rays…

You are the one holding the Stars

But Rhymes are all about Twinkling Stars…

You are the one carrying the heavy clouds

But it’s the rainwater who gains the importance… 

In the moonlight I asked the Sky, 

How it feels to be there forever…? 

Knowing that there is neither reward nor appreciation

And the Sky replied :

Pinch of Praises and Glimpse of Glances are temporary in nature

Not desiring it I am an Infinite, Independent Existence…!